Paris Olympics 2024 : એશિયન ચેમ્પિયન અમન સેહરાવતે તુર્કીમાં વર્લ્ડ રેસલિંગ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ભારત માટે પેરિસ 2024 ક્વોટા મેળવ્યો. જ્યારે દીપક પુનિયા નિષ્ફળ રહ્યા હતા. તે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયો હતો. ભારત માટે આ છઠ્ઠો પેરિસ ઓલિમ્પિક્સ 2024 કુસ્તી ક્વોટા છે, જ્યારે પુરુષોના વિભાગમાં પ્રથમ છે. અગાઉના તમામ પાંચ ક્વોટા ભારતીય મહિલા કુસ્તીબાજોએ જીત્યા હતા.
અંડર-23 વર્લ્ડ ચેમ્પિયન સેહરાવતે સેમિફાઇનલમાં ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાના ચોંગસોંગ હાનને 12-2થી હરાવ્યો હતો. ઈસ્તાંબુલ સ્પર્ધા કુસ્તીબાજો માટે આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોટા મેળવવાની છેલ્લી તક છે. દરેક વજન વર્ગમાં ત્રણ ક્વોટા દાવ પર છે.
અમાને તેની બંને મેચ સરળતાથી જીતી લીધી હતી. પહેલા તેણે જોઝી વેલેન્ટિનોવને 10-4થી હરાવ્યો હતો. આ પછી અમાને યુક્રેનના એન્ડ્રે યાત્સેન્કોને હરાવ્યો. યાત્સેન્કોએ ભારતીય કુસ્તીબાજને પડકાર ફેંક્યો પરંતુ અમાન ખૂબ જ મજબૂત સાબિત થયો. અમન તેના પ્રતિસ્પર્ધીને ‘ટેક ડાઉન’ કર્યા પછી તકનીકી શ્રેષ્ઠતા દ્વારા જીત્યો. તેણે ઉત્તર કોરિયાના ચોંગસોંગ હાનને 12-2ના માર્જિનથી હરાવ્યો.