Maharashtra: મહારાષ્ટ્રના પાલઘરના પાણી પુરવઠા પ્રોજેક્ટમાં માટી અને દિવાલ ધરાશાયી થતાં એક માઈનિંગ મશીન ઓપરેટર ફસાઈ ગયો હતો. આ ઘટના બુધવારે રાત્રે 9 વાગ્યે ટનલ શાફ્ટના ખોદકામ દરમિયાન બની હતી. ઘટના વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે, ટનલ શાફ્ટ ખોદતી વખતે માઈનિંગ મશીનની ઉપરની માટી અને દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં મશીન ઓપરેટર કાટમાળમાં ફસાઈ ગયો હતો.
એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને અન્ય સ્થાનિક એજન્સીઓ સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી. સૂર્ય પ્રાદેશિક પાણી પુરવઠા યોજના એ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) ની પહેલ છે. તેનો ઉદ્દેશ્ય એમએમઆર પ્રદેશમાં સતત વધતી જતી વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
આ પહેલ હેઠળ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર અને પાલઘર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં 403 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) પાણી આપવામાં આવે છે. આ અંતર્ગત વસઈ અને વિરારના લાખો રહેવાસીઓને લાભ મળે છે.