Enforcement Directorate : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે એક કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ – દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં લગભગ 35 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની અને તેના પ્રમોટર સામે રૂ. 20,000 કરોડથી વધુની બેંક લોનના ગેરઉપયોગનો આરોપ છે.
ભાષાના સમાચાર અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે એમ્ટેક ગ્રુપ અને તેના ડિરેક્ટર્સ – અરવિંદ ધામ, ગૌતમ મલ્હોત્રા અને અન્યો વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આટલી મોટી રકમના કૌભાંડ મામલે ED ખૂબ જ સક્રિય બની છે. આશા છે કે ટૂંક સમયમાં EDને આમાં મોટી સફળતા મળશે.
ACIL લિમિટેડ કંપની સામે તપાસ
સમાચાર અનુસાર, ગુરુવાર સવારથી દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, મુંબઈ અને નાગપુરમાં લગભગ 35 કોમર્શિયલ અને રહેણાંક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ Amtek ગ્રુપની ACIL લિમિટેડ કંપની વિરુદ્ધ FIR નોંધ્યા પછી, ED આ કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. સીબીઆઈ એફઆઈઆરમાં કેટલીક લિસ્ટેડ કંપનીઓ પર રૂ. 20,000 કરોડથી વધુની બેંક લોનની છેતરપિંડી કરવાનો આરોપ છે.
સરકારી તિજોરીને ₹10,000-15,000 કરોડનું નુકસાન
સૂત્રોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ આ મામલે તપાસ કરવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે EDના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડીથી સરકારી તિજોરીને લગભગ 10,000-15,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. EDનું માનવું છે કે બેંક પાસેથી લીધેલી લોનની રકમનું રોકાણ રિયલ એસ્ટેટ, વિદેશી રોકાણ અને નવા સાહસોમાં કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે વધુ લોન મેળવવા માટે, જૂથ કંપનીઓમાં નકલી વેચાણ, મૂડી સંપત્તિ, જવાબદારીઓ અને નફો દર્શાવવામાં આવ્યા હતા જેથી તેને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) તરીકે લેબલ કરવામાં ન આવે.