Tamil Nadu Hooch Tragedy: તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. ઝેરી દારૂનો આ મામલો 19 જૂનના રોજ સામે આવ્યો હતો, ત્યારબાદ લોકોના મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે. મૃતકે મિથેનોલ યુક્ત ઝેરી દારૂ પીધો હોવાનું જાણવા મળ્યું હતું.
અહીં આ મામલો સામે આવ્યા બાદ સ્ટાલિન સરકાર સક્રિય થઈ ગઈ છે. આ કારણે ડીએમકે સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમ મા સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચ્યા અને અહીં દાખલ દર્દીઓ સાથે ચર્ચા કરી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે તમિલનાડુ સરકાર મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય રકમ આપશે.
કલ્લાકુરિચીના કલેક્ટર એમએસ પ્રશાંતના જણાવ્યા અનુસાર, સારવાર હેઠળ રહેલા 193 લોકોમાંથી 140 હાલ સુરક્ષિત છે. કેટલાક લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કુલ 53 લોકોના મોત થયા છે.
બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે
દારૂ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે ઝેરી દારૂની દુર્ઘટનામાં તેમના માતા-પિતા અથવા તેમાંથી એકને ગુમાવનારા બાળકોના શિક્ષણ અને હોસ્ટેલનો ખર્ચ સરકાર ઉઠાવશે. સ્ટાલિને આ ઘટનાને ‘દર્દનાક’ ગણાવી છે.
સાત આરોપીઓની ધરપકડ
ઝેરી દારૂના કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ તમિલનાડુ પોલીસની સીબીઆઈ સીઆઈડી શાખા કરશે.