NEET: સુપ્રીમ કોર્ટે NEET UG કેસની સુનાવણી ગુરુવારે મુલતવી રાખી છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 18 જુલાઈએ સુનાવણી કરશે. આ પહેલા બુધવારે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ NEET UG પેપર લીક મામલામાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET UGના કથિત લીક પર મહત્વનો ચુકાદો આપી શકે છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી છે, જેમાં NEET UG પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા.
8 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્વીકાર્યું હતું કે NEET UG પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી NTA અને કેન્દ્ર સરકારને આ મામલે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો, જે સીબીઆઈ દ્વારા સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવ્યો છે. 10 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું કે તેણે IIT મદ્રાસને NEET UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા અપીલ કરી છે. જો કે, કેન્દ્ર સરકારે કહ્યું કે NEET UGના મોટા પાયે પેપર લીક થયાના કોઈ પુરાવા મળ્યા નથી.