Chandipura Virus : રવિવારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 13 નવા શંકાસ્પદ કેસ નોંધાયા હતા જ્યારે 5 દર્દીઓના મોત થયા હતા. આ સાથે, ગુજરાતમાં પુષ્ટિ અને શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 84 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 32 થઈ ગયો છે. ગુજરાત આરોગ્ય વિભાગે જણાવ્યું કે અમદાવાદમાં 2 નવા શંકાસ્પદ કેસ, અરવલીમાં 2, બનાસકાંઠામાં 2, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા અને રાજકોટમાં એક-એક કેસ નોંધાયા છે.
ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાંદીપુરા વાયરસના કારણે પાંચ દર્દીઓના શંકાસ્પદ મૃત્યુ થયા છે. મહિસાગર, ખેડા અને વડોદરામાં એક-એક મૃત્યુ અને બનાસકાંઠામાં બે મૃત્યુ સંક્રમણને કારણે થયા હોવાનું શંકાસ્પદ છે. સરકારે મચ્છર, ટિક અને સેન્ડફ્લાય જેવા વાહકો દ્વારા પ્રસારિત વાયરલ ચેપને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં શરૂ કર્યા છે. પુણે સ્થિત NIVએ શનિવારે ગુજરાતમાંથી ચાંદીપુરા વાયરસના નવ કેસની પુષ્ટિ કરી હતી.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રવિવારે ગુજરાતમાં કોઈ નવા કન્ફર્મ કેસ નોંધાયા નથી. તમામ શંકાસ્પદ કેસોના સેમ્પલ NIVને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં બુધવારે ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. આ પછી, આરોગ્ય વિભાગે સ્થાનિક સ્તરે દૈનિક મોનિટરિંગ અને દેખરેખ રાખવા સૂચનાઓ જારી કરી. આરોગ્ય વિભાગની ટીમોએ લગભગ 19,000 ઘરોમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર 1.16 લાખ ઘરોમાં પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે કહ્યું કે રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા દરેક કેસની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના પ્રકોપથી તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) થાય છે. તે મચ્છર, ટીક અને સેન્ડફ્લાય જેવા વાહકો દ્વારા ફેલાય છે. 2003-2004 દરમિયાન જ્યારે તે મધ્ય ભારતમાં ફેલાઈ ત્યારે આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં 56-75 ટકા મૃત્યુદર જોવા મળ્યો હતો.