Bangladesh Violence : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં રવિવારે ફરી એકવાર અરાજકતા સર્જાઈ હતી. લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો અને દેખાવો કર્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ હિંસામાં અત્યાર સુધીમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવી દીધો હતો.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી તેમનો વિરોધ ચાલી રહ્યો છે. આ અંગે પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી પર અડગ છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની રવિવારે પોલીસ અને શાસક પક્ષના નેતાઓ સાથે ઘર્ષણ થયું હતું. આ પછી મામલો ખૂબ જ વધી ગયો.
પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા
આના પર પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને સ્ટેન ગ્રેનેડ પણ ફેંક્યા. પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ લાકડીઓ લઈને આવ્યા હતા. ઢાકાના મધ્યમાં શાહબાગ ઈન્ટરસેક્શન પર ભીડ એકઠી થઈ હતી, જ્યાં તેમની પોલીસ સાથે અથડામણ થઈ હતી. વિરોધીઓએ મુખ્ય રસ્તાઓ પણ બ્લોક કરી દીધા હતા, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
શાસક પક્ષના કાર્યકરો સાથે ઘર્ષણ પણ થયું હતું
આ દરમિયાન સત્તાધારી અવામી લીગના કાર્યકરો પણ હાજર હતા અને તેઓ વિરોધીઓ સાથે સામસામે આવી ગયા હતા. આ હિંસામાં 32 લોકોના મોત થયા હતા. જેને લઈને શેખ હસીનાની સરકારે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો હતો. આ સમય દરમિયાન, ગુસ્સે થયેલા દેખાવકારો દ્વારા કેટલીક ઓફિસો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓએ લોકોને કામ પર ન જવાની અપીલ કરી હતી.