Maharashtra: એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ACBએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ત્યાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઓફિસર પર એક પ્રોપર્ટી ડેવલપર પાસેથી પોતાની બિલ્ડિંગના ગેરકાયદે માળને તોડી ન પાડવાના બદલામાં 2 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.
એક અધિકારીએ જણાવ્યું કે, મુખ્ય આરોપીની ઓળખ મંદાર અશોક તારી તરીકે કરવામાં આવી છે, જે ઘાટકોપર પૂર્વમાં BMCના K પૂર્વ વોર્ડ ઓફિસના અધિકારી છે. મુંબઈ એસીબીએ મંગળવારે બે વ્યક્તિઓ, મોહમ્મદ શહેઝાદા યાસીન શાહ, 33, અને પ્રતીક વિજય પીસેની ધરપકડ કરી હતી, જ્યારે ફરિયાદી પાસેથી લાંચની રકમના હપ્તા તરીકે રૂ. 75 લાખ સ્વીકાર્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
આ કિસ્સામાં, પ્રોપર્ટી ડેવલપરે ઘાટકોપરમાં તેની ચાર માળની બિલ્ડીંગમાં બે ગેરકાયદેસર માળ બાંધ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, તારીએ ગેરકાયદે માળ તોડી ન પાડવા માટે ડેવલપર પાસેથી રૂ. 2 કરોડની લાંચ માંગી હતી અને ભવિષ્યમાં તેને પ્લોટ પરના તેના ગેરકાયદે બાંધકામને બચાવવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું, જ્યાં ડેવલપર બીજી ઇમારત બાંધવાનું વિચારી રહ્યો હતો.
ડેવલપરે એસીબીનો સંપર્ક કર્યો અને 31 જુલાઈના રોજ તારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, એમ તેમણે જણાવ્યું હતું. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ શોધી કાઢ્યું કે BMC અધિકારીએ પ્રથમ હપ્તા તરીકે 75 લાખ રૂપિયા માંગ્યા હતા. જે બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવ્યું હતું. શાહ અને પીસે લાંચનો પ્રથમ હપ્તો લેતા ઝડપાયા હતા.
તેમણે કહ્યું કે BMC અધિકારી તારી અને ધરપકડ કરાયેલા બે આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.