National News:ભારતમાં વેચાતી તમામ બ્રાન્ડના મીઠા અને ખાંડમાં ખતરનાક માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યા છે. મંગળવારે પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. પર્યાવરણીય સંશોધન સંસ્થા ટોક્સિક્સ લિંક દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મીક્રોપ્લાસ્ટિક્સ ઇન સોલ્ટ એન્ડ સુગર’ નામના અભ્યાસમાં 10 પ્રકારના મીઠાનો સમાવેશ થાય છે – જેમાં રોક મીઠું, દરિયાઈ મીઠું અને સ્થાનિક કાચું મીઠું સામેલ છે.
બજારોમાંથી ખરીદેલી પાંચ પ્રકારની ખાંડનું પરીક્ષણ
અભ્યાસમાં ઓનલાઈન અને સ્થાનિક બજારોમાંથી ખરીદવામાં આવેલી ખાંડના પાંચ પ્રકારનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં મીઠા અને ખાંડના તમામ નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી જોવા મળી હતી, જે ફાઇબર, ગોળીઓ, ટુકડાઓ સહિત વિવિધ સ્વરૂપોમાં હાજર હતા. આ માઇક્રોપ્લાસ્ટિક્સનું કદ 0.1 mm થી 5 mm સુધીનું છે.
માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યું
બહુરંગી પાતળા તંતુઓ અને ફિલ્મોના રૂપમાં મોટાભાગના માઇક્રોપ્લાસ્ટિક્સ આયોડાઇઝ્ડ મીઠામાં જોવા મળ્યા હતા. ‘ટોક્સિક્સ લિંક’ના એસોસિયેટ ડાયરેક્ટર સતીશ સિંહાએ જણાવ્યું હતું કે, અમારા અભ્યાસમાં મીઠા અને ખાંડના તમામ નમૂનાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં માઇક્રોપ્લાસ્ટિકની શોધ ચિંતાજનક છે. માનવ સ્વાસ્થ્ય પર માઇક્રોપ્લાસ્ટિક્સની આરોગ્ય અસરો અંગે તાત્કાલિક અને વ્યાપક સંશોધનની જરૂર છે.
આરોગ્ય અને પર્યાવરણ બંનેને નુકસાન પહોંચાડે છે
માઇક્રોપ્લાસ્ટિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેને નુકસાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટિકના આ નાના કણો ખોરાક, પાણી અને હવા દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે. તાજેતરના સંશોધનમાં માનવીય અવયવો જેમ કે ફેફસાં, હૃદય અને માતાના દૂધ અને અજાત બાળકોમાં પણ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું છે.