વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીમાં ડિજિટલ માધ્યમથી ઝારખંડ, ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશ માટે છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વડાપ્રધાન ટાટાનગરથી આ ટ્રેનોને લીલી ઝંડી આપવાના હતા પરંતુ ઓછા વિઝિબિલિટી અને ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હતું. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર ટાટાનગર સ્ટેશન પર હાજર હતા. આ નવી ટ્રેનો ટાટાનગર-પટના, બ્રહ્મપુર-ટાટાનગર, રાઉરકેલા-હાવડા, દેવઘર-વારાણસી, ભાગલપુર-હાવડા અને ગયા-હાવડા રૂટ પર દોડશે.
વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે આ ટ્રેનો મુસાફરીનો સમય ઘટાડવામાં મદદ કરશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થી સમુદાયોને લાભ કરશે. આ ટ્રેનો દેવઘર (ઝારખંડ) માં બૈદ્યનાથ ધામ, વારાણસી (ઉત્તર પ્રદેશ) માં કાશી વિશ્વનાથ મંદિર, કોલકાતા (પશ્ચિમ બંગાળ) માં કાલીઘાટ, બેલુર મઠ જેવા તીર્થસ્થળોની મુસાફરીના સમયને ઘટાડીને આ પ્રદેશમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી ધનબાદમાં કોલસા અને ખાણ ઉદ્યોગ, કોલકાતામાં શણ ઉદ્યોગ અને દુર્ગાપુરમાં લોખંડ અને સ્ટીલ સંબંધિત ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ 32,000 લાભાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા મંજૂરી પત્રોનું વિતરણ કર્યું અને ઘરોના નિર્માણ માટે રૂ. 32 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કર્યો. તેમણે ડિજિટલ માધ્યમ દ્વારા દેશભરના 46,000 PMAY-G લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપી. કેન્દ્રએ PMAY-G યોજના હેઠળ ઝારખંડમાં ગરીબો માટે 1,13,400 મકાનોને મંજૂરી આપી છે.