મુંબઈમાં બુધવારે સાંજથી શરૂ થયેલા અચાનક ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. સાંજે શરૂ થયેલા વરસાદને કારણે ઓફિસેથી ઘરે પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુરુવારે મુંબઈની તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. મુંબઈ આવી રહેલી ઓછામાં ઓછી 14 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. વરસાદના કારણે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેન સેવાઓ સાથે રોડ ટ્રાફિકને પણ અસર થઈ હતી.
વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી
BMC અનુસાર, મુંબઈ, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 5 થી 10 વાગ્યાની વચ્ચે 87.79 મીમી, 167.48 મીમી અને 95.57 મીમી વરસાદ નોંધાયો હતો. ભાંડુપમાં 275 મીમી અને પવઇ વિસ્તારમાં 274 મીમી વરસાદ નોંધાયો છે. સીવડી કોળીવાડા અને વડાલા વિસ્તારમાં 145 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
બુધવારે બપોર સુધી વાતાવરણ સ્વચ્છ અને તડકો રહ્યું હતું. પરંતુ, સૂર્યાસ્ત પહેલા, સાંજે 5 વાગ્યાની આસપાસ, ગાઢ વાદળોને કારણે સમગ્ર મુંબઈમાં અચાનક અંધારું છવાઈ ગયું અને સાંજે 6 વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો, જે રાત સુધી ચાલુ રહ્યો. પહાડી વિસ્તારોમાં ખાસ કરીને રત્નાગીરી અને રાયગઢના માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ઘાટકોપર, સાયન, મુલુંડ વગેરે સ્ટેશનો પર ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ છે. સ્ટેશન પર મુસાફરોની ભીડ વધી રહી છે. વરસાદ દરમિયાન ડોમ્બિવલીના કમ્બા ગામમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે.