કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ અજાયબી કરી નાખી. આ ટેસ્ટના પહેલા ત્રણ દિવસમાં માત્ર 35 ઓવર રમાઈ હતી, એવું લાગી રહ્યું હતું કે આ મેચ હવે ડ્રો થઈ જશે. પરંતુ કેપ્ટન રોહિત અને કોચ ગંભીરના મનમાં એક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં ટી-20 જેવી બેટિંગ કરીને બાંગ્લાદેશને સ્તબ્ધ કરી દીધું હતું.
બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 233 રન બનાવી શકી હતી. આ પછી ભારતે 34.4 ઓવરમાં 285 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ પછી બીજા દાવમાં ચોથા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી બાંગ્લાદેશનો સ્કોર બે વિકેટે 26 રન છે. બાંગ્લાદેશની ટીમ હાલમાં ભારત કરતા 26 રન પાછળ છે. સ્ટમ્પના સમયે ઓપનર શાદમાન ઈસ્લામ 07 અને મોમિનુલ હક 0 રને પેવેલિયન પરત ફર્યા હતા.
ભારતે ચોથા દિવસે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન, સૌથી ઝડપી 100 રન અને સૌથી ઝડપી 200 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 61 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. ભારતીય ટીમે માત્ર 24.2 ઓવરમાં 200 રનનો સ્કોર પાર કરી લીધો હતો.
ભારત તરફથી યશસ્વી જયસ્વાલે માત્ર 51 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 12 ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. રોહિત શર્માએ 11 બોલમાં 23 રન બનાવ્યા હતા. હિટમેને એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. શુભમન ગિલે 36 બોલમાં 39 રન અને વિરાટ કોહલીએ 35 બોલમાં 47 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પણ ટી-20ની જેમ બેટિંગ કરી હતી. રાહુલે 43 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા.
હવે પાંચમા દિવસે ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ 8 વિકેટે જીતી શકે છે. પિચ જે રીતે છે, બાંગ્લાદેશની ટીમ પાંચમા દિવસે બીજા સેશનમાં ઓલઆઉટ થઈ શકે છે. ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્માએ ડ્રો ટેસ્ટને રોમાંચક વળાંક પર મૂકી દીધી છે.