માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ માંગ કરી હતી કે ભારત 15 માર્ચ સુધીમાં પોતાના સૈનિકો પાછા ખેંચે. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે માલદીવમાં હાજર ભારતીય સૈનિકોની જગ્યા હવે ભારતીય ટેકનિકલ સ્ટાફ દ્વારા લેવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે બંને દેશો વચ્ચે ત્રીજો રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે. એવું માનવામાં આવે છે કે ઓછામાં ઓછા 75 ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં છે. આ સૈનિકો દૂરના ટાપુઓમાંથી દર્દીઓને લઈ જવા અને દરિયા કિનારે કોઈપણ અપ્રિય ઘટના સમયે લોકોને મદદ કરવા માટે તૈનાત છે.
તાજેતરમાં જ ભારતે માલદીવને ડોર્નિયર વિમાન અને બે હેલિકોપ્ટર આપ્યા હતા. ટેક્નિકલ સ્ટાફ માલદીવમાં આ હેલિકોપ્ટર અને જહાજોની જાળવણી કરશે. ગયા વર્ષે માલદીવમાં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારત વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું.
ચીન તરફી મુઇઝુ સત્તામાં આવ્યા બાદથી ભારત અને માલદીવ વચ્ચે તણાવ વધી ગયો છે. માલદીવના વિદેશ મંત્રાલયે 2 જાન્યુઆરીએ કહ્યું હતું કે બંને દેશોના અધિકારીઓ નવી દિલ્હીમાં મળ્યા હતા અને સંમત થયા હતા કે ભારત માર્ચથી માલદીવ્સમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાનું શરૂ કરશે.
સત્તા સંભાળ્યા પછી, મુઇઝુના મોટાભાગના નિવેદનો વિવાદાસ્પદ હતા અને ભારત વિરુદ્ધ હતા. ચીનની મુલાકાત લીધા પછી, તેમણે કહ્યું કે આપણે કદમાં નાના હોવાનો અર્થ એ નથી કે આપણને કોઈને ધમકાવવાનું લાઇસન્સ મળે છે. તેમની ટિપ્પણી ત્યારે આવી જ્યારે માલદીવના મંત્રીઓ પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ જાહેર વિરોધનો સામનો કરી રહ્યા હતા.
PM મોદીએ ક્રિસમસના દિવસે લક્ષદ્વીપના બીચ પર લટાર મારતા અને સ્નૉર્કલિંગની તસવીરો શેર કર્યા બાદ માલદીવ અને ભારત વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આ પોસ્ટ પર માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ હોબાળો મચી ગયો હતો. માલદીવમાં જ આનો વિરોધ થયો હતો. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે પણ તેનો વિરોધ કર્યો હતો. ચારે બાજુથી ટીકા બાદ મુઈઝુ સરકાર ઊંઘમાંથી જાગી ગઈ. મુઈઝુ સરકારે X પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દો લખનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કર્યા.