પ્રચાર અને પ્રવાસ પાછળ ભાજપે એક હજાર કરોડ ખર્ચ્યા, કોંગ્રેસની આવક કરતા ખર્ચો વધારે

BJP spent Rs 1,000 crore on campaigning and travel, more than Congress' income

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી આવક અને ખર્ચની વિગતો મુજબ ભાજપને મળતા દાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીને 2021-22ની સરખામણીમાં 2022-23માં 23 ટકા વધુ દાન મળ્યું છે. કુલ રૂ. 2361 કરોડના પ્રવાહમાંથી 54 ટકા રકમ ચૂંટણી બોન્ડમાંથી આવી છે. જો ખર્ચની વાત કરીએ તો તેમાં પણ જબરદસ્ત વધારો થયો છે. ભાજપે 1361 કરોડ રૂપિયા ખર્ચ્યા છે જે ગયા વર્ષ કરતા 59 ટકા વધુ છે. પાર્ટીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર ભાજપે પ્રચાર પર 844 કરોડ રૂપિયા અને પ્રવાસ પર 132 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, બીજેપીને એક વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડથી 1294 કરોડ રૂપિયા મળ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા વધુ છે. આ સિવાય વ્યક્તિગત દાન, કોર્પોરેટ અને ઈલેક્ટોરલ ટ્રસ્ટ પર મળતી રકમમાં ઘટાડો થયો છે. ભાજપનો આ પ્રવાહ 721.7 કરોડથી ઘટીને 648 કરોડ થયો છે. આ સિવાય પાર્ટીને લાઈફ ટાઈમ સપોર્ટ ફંડથી ઘણો ફાયદો થયો છે. આમાં અંદાજે 9 ગણો વધારો થયો છે.

ખર્ચની વાત કરીએ તો ભાજપે 2022-23માં બજેટનો 80 ટકા હિસ્સો ચૂંટણી અને સામાન્ય પ્રચાર પર ખર્ચ કર્યો છે. આમાં અંદાજે 1092 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ 2021-22ની સરખામણીમાં લગભગ બમણું છે. જેમાં 844 કરોડ રૂપિયા પ્રચાર પાછળ અને 132 કરોડ રૂપિયા પ્રવાસ પર ખર્ચવામાં આવ્યા છે.

કોંગ્રેસની આવક ઓછી, ખર્ચ વધુ
કોંગ્રેસની વાત કરીએ તો તેને મળતા દાનમાં ઘટાડો થયો છે, જ્યારે ખર્ચમાં વધારો થયો છે. પાર્ટીની હાલત એવી છે કે આવક ઓછી અને ખર્ચ વધુ. એક વર્ષ અગાઉની સરખામણીમાં 2022-23માં ઘટાડો જોવા મળ્યો છે. કોંગ્રેસને 2021-22માં 541 કરોડ રૂપિયા મળ્યા હતા, જે 2023-24માં ઘટીને 452 કરોડ રૂપિયા થઈ ગયા હતા. ખર્ચની વાત કરીએ તો એક વર્ષમાં તે 400 કરોડ રૂપિયાથી વધીને 467 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ રીતે પાર્ટીનો ખર્ચ આવકના પ્રવાહને વટાવી ગયો છે.

ઈલેક્ટોરલ બોન્ડમાંથી કોંગ્રેસને મળનારી રકમમાં 63 ટકાનો ઘટાડો થયો છે. પાર્ટીને તેની કુલ આવકના 38 ટકા બોન્ડ્સમાંથી મળ્યા છે. આ માત્ર રૂ. 236 કરોડ છે. અન્ય પક્ષોની વાત કરીએ તો ગયા વર્ષે આમ આદમી પાર્ટીને 85.1 કરોડ રૂપિયા, સીપીએમને 141.6 કરોડ રૂપિયા અને NPPને 7.5 કરોડ રૂપિયા મળ્યા હતા.