વર્ષ 2025માં સોનામાં રોકાણ પર રોકાણકારોને બમ્પર વળતર મળી શકે છે. વૈશ્વિક તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે નવા વર્ષમાં સોનું રૂ. 90,000 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીને સ્પર્શી શકે છે. કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં વધારો 2024ની જેમ 2025માં પણ ચાલુ રહી શકે છે અને વૈશ્વિક તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદીને કારણે નવી ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી શકે છે.
વૈશ્વિક તણાવ વધશે સોનાની ચમક!
બુલિયન માર્કેટમાં અત્યારે સોનું 79,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફ્યુચર ટ્રેડિંગમાં સોનું 76,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના રોકાણકારો માટે વર્ષ 2024 શ્રેષ્ઠ રહ્યું છે. સ્થાનિક બજારમાં સોનાએ 30 ટકા વળતર આપ્યું છે. 30 ઑક્ટોબર, 2024ના રોજ, સોનાના ભાવ રૂ. 82,400ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. પીટીઆઈના અહેવાલ અનુસાર, જૂના રેકોર્ડને તોડીને નવા વર્ષ 2025માં સુરક્ષિત રોકાણ તરીકે સોનાની કિંમત 85,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે વૈશ્વિક તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 90,000 રૂપિયાના સ્તરે પણ પહોંચી શકે છે.
સોનું 90000 રૂપિયા સુધી જશે
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદીએ પીટીઆઈને જણાવ્યું હતું કે 2025માં સોના માટેનું આઉટલૂક સકારાત્મક રહેશે. જોકે, 2024ની સરખામણીમાં વૃદ્ધિની ગતિ ધીમી રહી શકે છે. તેમણે કહ્યું, ‘ઘરેલું સોનાના ભાવ રૂ. 85,000 સુધી પહોંચવાની ધારણા છે, જ્યારે શ્રેષ્ઠ સ્થિતિમાં સોનું રૂ. 90,000ના સ્તરે જઈ શકે છે. જ્યારે ચાંદીનો ભાવ નજીવો વધીને રૂ. 1.1 લાખ અથવા તો રૂ. 1.25 લાખ સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, વ્યાજ દર ચક્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઓછા વ્યાજ દરો બજારમાં રોકડ લાવશે, યુએસ ડોલરને નબળો પાડશે, જેનાથી સોનાના ભાવમાં વધારો થશે.
ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું
કામા જ્વેલરીના એમડી કોલિન શાહે જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં પણ સોનામાં મજબૂત રોકાણ થયું છે, જે દર્શાવે છે કે રોકાણ પોર્ટફોલિયોમાં સોનાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેને ગોલ્ડ ETFમાં રોકાણથી પણ ટેકો મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, રોકાણ માટે સોનાની માંગ મજબૂત રહેશે. અને લાંબા ગાળે સોનું $3000 પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.