
સાઉથ સુપરસ્ટાર ધનુષ અને બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ ની એક ઝલક જોયા પછી, ચાહકો આ પ્રેમકથાની રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે, જેના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયા છે. આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ખાતે થઈ રહ્યું છે. વાયરલ ફોટામાં ધનુષ દોડતો જોઈ શકાય છે.
SRCC કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલા આ વીડિયો અને ફોટામાં, ધનુષ ભીડ વચ્ચે દોડતો જોઈ શકાય છે. ઘણા ચાહકોએ આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. વીડિયો જોઈને એવું લાગે છે કે ધનુષ કોલેજના વિદ્યાર્થીની ભૂમિકા ભજવી રહ્યો છે. તે કાળા અને સફેદ ચેક્ડ શર્ટમાં જોઈ શકાય છે.
બીજા એક વિડીયોમાં, જેને એક વિદ્યાર્થીએ ‘ફેન ગર્લ મોમેન્ટ’ કહીને શેર કર્યો હતો, તેમાં ધનુષ તેની વેનિટી વાનમાંથી બહાર નીકળતો અને ડિરેક્ટર ‘એક્શન’ કહે ત્યારે દોડવા માટે તૈયાર થતો જોઈ શકાય છે.
આનંદ એલ રાય અને ધનુષે અગાઉ 2013ની ફિલ્મ ‘રાંઝણા’ અને 2021ની ‘અતરંગી રે’માં સાથે કામ કર્યું છે. “તેરે ઇશ્ક મેં” ને “રાંઝણા” ની દુનિયાનો એક ભાગ ગણાવતા આનંદે પીટીઆઈને કહ્યું: “તે “રાંઝણા” ની દુનિયામાંથી છે, પણ શું તે “રાંઝણા 2” છે? ના, એવું નથી. જ્યારે હું “રાંઝણા” ની દુનિયા કહું છું, ત્યારે મારો મતલબ છે કે હું “રાંઝણા” માં રહેલી લાગણીઓ પર કામ કરી રહ્યો છું.
તેમણે વધુમાં ઉમેર્યું, “બંને વાર્તાઓ પીડાથી ભરેલી છે, બંનેમાં ગુસ્સો અને રોષ છે. પ્રેમકથાઓમાં ઘણા સ્તરો છે, તે ફક્ત એક સરળ છોકરા-છોકરીની વાર્તા નથી. તેથી જ હું કહું છું કે તે ‘રાંઝણા’ ની દુનિયાની છે કારણ કે તેમાં બંને છે. પરંતુ બંને અલગ વાર્તાઓ છે.”
આ ફિલ્મમાં કૃતિ સેનન ‘મુક્તિ’ ની ભૂમિકા ભજવી રહી છે, અને આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. ફિલ્મના બે જબરદસ્ત ટીઝર રિલીઝ થઈ ગયા છે, જેને જોઈને ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
