Gujarat News: ધૂમ્રપાનથી થતાં નુકસાન અંગે જાગૃતિ આવે તેના માટે દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારની ઉજવણી ‘નો સ્મોકિંગ ડે’ તરીકે કરવામાં આવે છે. ગુજરાતમાંથી 10માંથી સરેરાશ 3 વ્યક્તિ દરરોજ સ્મોકિંગ કરવાની કુટેવ ધરાવે છે.
ક્યારેય ધૂમ્રપાન કર્યું ના હોય તેનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ 61 ટકા
નેશનલ ફેમિલી હેલ્થ સરવે (National Family Health Survey) અનુસાર ગુજરાતમાંથી શહેરી વિસ્તારમાં 25.8 ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી 39.3 ટકા દરરોજ ધૂમ્રપાન કરવાની ટેવ ધરાવે છે. આમ, રાજ્યમાં દરરોજ સ્મોકિંગ કરનારાનું પ્રમાણ 33.5 ટકા છે. આ સરવે અનુસાર શહેરી વિસ્તારમાંથી 2.9 ટકા, ગ્રામ્ય વિસ્તારમાંથી 3.9 ટકા અને સરેરાશ 3.5 ટકા સપ્તાહમાં એકાદ વાર ધૂમ્રપાન કરી લે છે.
આ સિવાય શહેરી વિસ્તારમાંથી 1.1 ટકા, ગ્રામ્યમાંથી 1.2 ટકા અને સરેરાશ 1.2 ટકા મહિનામાં એકાદ વખત ધૂમ્રપાન કરી લેતા હોવાનું સામે આવ્યું છે. જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું ના હોય તેનું પ્રમાણ ગુજરાતમાં સરેરાશ 61 ટકા છે. જેમાં શહેરી વિસ્તારમાંથી 69.5 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી 54.70 ટકા દ્વારા ક્યારેય ધૂમ્રપાન કરવામાં આવ્યું નથી.
ગુજરાતમાં નોંધાતાં કેન્સરના કેસમાંથી 43 ટકામાં તમાકુનું સેવન જવાબદાર
આ હેલ્થ સરવેમાં એવી પણ વિગત સામે આવી છે કે તમાકુનું સેવન કરનારા 38 ટકા પુરુષ, 9 ટકા મહિલા 15થી વધુ વયના છે. ડોક્ટરોના મતે ગુજરાતમાં નોંધાતાં કેન્સરના કેસમાંથી 43 ટકામાં તમાકુનું સેવન જવાબદાર હોય છે. વર્ષ 2022માં ગુજરાત કેન્સર રીસર્સ ઈન્સ્ટિટ્યુટ ખાતે નોંધાયેલા કેન્સરના કુલ 16239 કેસમાંથી 7105માં તમાકુનું સેવન જવાબદાર હોવાનું સામે આવ્યું હતું.