ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલેની કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમમાં સ્પર્ધાના વિજેતાઓને કેશ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં દેશભરના STEM ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, આ વર્ષે સ્પર્ધાની ચોથી આવૃત્તિ યોજાઈ છે. આવનારા સમયમાં આ સ્પર્ધાને વધુ ચેલેંજીંગ અને વધુ પડકારોથી સજ્જ બનાવવામાં આવશે.
વધુમાં વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ સ્પર્ધાના નિયમો ગ્લોબલ લેવલની સ્પર્ધાઓ માટે તૈયાર બને એવા બનાવવામાં આવશે. MSME ક્ષેત્રના પડકારોને આ સ્પર્ધા દ્વારા ઉકેલવાનો પ્રયાસ આગામી આવૃત્તિમાં કરવો જોઈએ. આ માટે જરૂરી તમામ સ્ત્રોતોની વ્યવસ્થા કરવા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સજજ છે. સાથે જ, તેમણે ISRO અને PRLની સફળતાનો ઉલ્લેખ કરીને સ્પેસ મિશન , વેસ્ટ મેનજમેન્ટ સહિતના ઘણા ક્ષેત્રો માટે રોબોટિક્સની ભવિષ્યમાં અનેકગણી રહેવાની છે, એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ફીઝીક્લ રિસર્ચ લેબોરેટરી(PRL)ના ડાયરેકટર શ્રી અનિલ ભારદ્વાજે સ્પર્ધામાં ભાગ લેનાર સૌને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને GUJCOST દ્વારા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં યુવાઓએ રોબોટિક્સ ક્ષેત્રે અવનવા આઈડિયા અને ઈનોવેશન પ્રદર્શિત કર્યા છે. રોબોટિક્સ ક્ષેત્રના વિકાસ માટે આ સ્પર્ધા અને આવા કાર્યક્રમો એક આગવું મંચ પૂરું પાડશે. સાથે જ, તેમણે મિશન ચંદ્રયાનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના સંચાલનમાં રોબોટિક્સની ઉપયોગીતા અને મહત્વ, સ્પેસ મિશનમાં રોબોટિક્સની ઉપયોગીતા તથા રોબોટિક્સ ક્ષેત્રના પડકારો અને ભવિષ્યનો ઉલ્લેખ કર્યો હતો.
આ સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ સાત કેટેગરીમાં રોબોટ્સનું પ્રદર્શન કર્યું હતુ, જેમાં ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ, રોવર્સ, હેક્સાપોડ રોબોટ, સ્વાર્મ રોબોટ્સ, ફન રોબોટિક્સ (મેઝ સોલ્વિંગ રોબોટ) અને એપ્લિકેશન બેઈઝ્ડ રોબોટ્સનો સમાવેશ થાય છે.
આ ફિનાલેની સ્પર્ધામાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને રોકડ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં દરેક 7 કેટેગરીઓમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને રૂ. 10 લાખનું ઇનામ, બીજી ટીમને રૂ. 7.5 લાખ અને ત્રીજી ટીમને રૂ. 5 લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. સાથે જ દરેક કેટેગરીમાં વિશિષ્ટ પ્રદર્શન કરનારી ટીમોને પ્રોત્સાહક ઇનામ તરીકે રૂ. 2.5 લાખ આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોબોફેસ્ટ ગુજરાત 4.0 ના આયોજન દ્વારા યુવાનોમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતા પ્રદર્શિત કરવામાં મદદરૂપ બનશે.
આ પ્રસંગે રોબોફેસ્ટ ગુજરાત 5.0ને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં GUJCOSTના એડવાઈઝર ડો. નરોત્તમ સાહુ, ટેકનિકલ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો. દેબાનિક રોય અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર કે. પટેલ તથા ગ્રાન્ડ ફિનાલેના પ્રતિસ્પર્ધીઓ અને તેમના મેન્ટર ઉપસ્થિત રહ્યા હતા.