Gujarat News : દક્ષિણ ગુજરાત પણ કેરીના ઉત્પાદન માટે ખુબ જાણીતું છે. પરંતુ ત્યાં પણ કમોસમી વરસાદ કહેર બનીને પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો. આ વરસાદ ખેડૂતો માટે આફત બની ગયો છે. કારણ કે, બહોળા પ્રમાણમાં પાક નુકસાની થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં કમોસમી વરસાદ આફત બની પડ્યો. જેમાં એક તરફ પાક નુકસાની થઈ તો. તો બીજી તરફ વીજળી પડતા 3 લોકોએ જીવ ગુમાવ્યા.
લણણી કરેલો પાક પલળી ગયો
જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો સુરતના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે ઓલપાડમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સ્યાદલા, નઘોઈ સહિતના ગામોમાં વરસાદના કારણે પાક પલળ્યો છે. કાપણી કરીને જે ડાંગરનો પાક સુકવણી માટે ખુલ્લામાં રાખ્યો હતો તે પલળી ગયો છે. ખેડૂતો પલળી ગયેલા પાકને ફરી સુકવણી કરી રહ્યા છે.
ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં એક તરફ લણણી કરેલો પાક પલળી ગયો છે. તો બીજી તરફ ખેતરમાં ઉભેલો પાક ઢળી ગયો છે. જેમાં એક તરફ કાપણી કરેલો પાક છે અને બીજી તરફ ઉભો પાક છે. આ રીતે હાથમાં આવેલો પાક કુદરત છીનવી લે તો ખેડૂતોની સ્થિતિનો તાગ તમે ખુદ લગાવી શકો છો. કારણ કે, તેમના પરિવારનું ગુજરાત ખેતી પર જ ચાલતું હોય છે.
કમોસમી આફત
આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો. તે સાવરકુંડલાના ઓળીયા ગામના છે. જ્યાં તલ, બાજરી, જુવાર, અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. તેવામાં હવે આ કમોસમી કઠણાઈમાંથી સરકાર ખેડૂતોને ઉગારે તેવી માંગ થઈ રહી છે.
આંધી બનીને કમોસમી વરસાદ પડ્યો
બોટાદ જિલ્લામાં પણ આંધી બનીને કમોસમી વરસાદ પડ્યો. જેમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા આંબા, ચીકું અને પપૈયાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દ્રશ્યો સમઢીયાળા ગામના છે. જેમાં કેરીની પાકને કેટલું નુકસાન પહોંચ્યું છે તે તમે ખુદ જોઈ શકો છો. આંબા વાડીઓમાં દરેક આંબાના ઝાડ નીચે પવનના કારણે ખરીને કેરીઓના ઢગલા થયા છે. હજૂ તો તાજેતરમાં જ કેરીની સિઝન શરૂ થઈ છે. ત્યાં આ રીતે કુદરતી માર પડતા ખેડૂતો ક્યાંયના નથી રહ્યા. નુકસાની સિવાય કાંઈ હાથમાં નહીં આવે.
પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થયું છે. નુકસાની આ દ્રશ્યો વેજલપુર ગામના છે. જ્યાં આંબાના ઝાડ નીચે કેરીના ઢગલા થઈ ગયા છે. પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીઓ ખરી ગઈ છે. તેવામાં આ કેરીને બજારામાં ભાવ મળવા પણ મુશ્કેલ છે. જેથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ખરેલી કેરીની બજારમાં કિંમત મળતી નથી
દક્ષિણ ગુજરાત પણ કેરીના ઉત્પાદન માટે ખુબ જાણીતું છે. પરંતુ ત્યાં પણ કમોસમી વરસાદ કહેર બનીને પડ્યો છે.. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો. જેના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.. આ કેરીના ઢગલા જોઈ તમને કેરી ખાવાનું મન થઈ ગયું હશે.. પરંતુ હકીકતમાં તો આ ઢગલા નુકસાનીના છે.. કારણ કે, વરસાદના કારણે ખરેલી કેરીની બજારમાં કિંમત મળતી નથી.
આફત ખેડૂતો માટે લાવી નુકસાની
જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.. આ જિલ્લો પણ આંબા અને ચૂકુના બાગાયતી પાક માટે ખુબ જાણીતો છે.. તેવામાં ગત રોજ વંથલી પંથકમાં પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.. અને હવે આ નુકસાનીમાંથી સરકાર ઉગારે તેવી આશા સેવીને બેઠા છે. કારણ કે, આ વખતે આવરણ ઓછું હતું અને તેવામાં કમોસમી વરસાદે વધુ નુકસાનીના ડામ આપ્યા છે. જોકે માત્ર એક જિલ્લામાં જ આવી સ્થિતિ નથી. અનેક જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાન પહોંચ્યું છે