Lok Sabha Polls : લોકસભાની ચૂંટણી માટે રાજકારણીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરની માંગમાં 40 ટકાનો વધારો થયો છે. આ કારણે ઓપરેટરોને 15-20 ટકા વધુ કમાણી થવાની શક્યતા છે.
ચાર્ટર્ડ સેવાઓના કલાકદીઠ દરમાં પણ વધારો થયો છે. એક એરક્રાફ્ટની કિંમત 4.5-5.25 લાખ રૂપિયા છે અને ટ્વીન એન્જિનવાળા હેલિકોપ્ટરની કિંમત 1.5-1.7 લાખ રૂપિયા છે. જો અગાઉના ચૂંટણી વર્ષો સાથે સરખામણી કરવામાં આવે તો તેની માંગ વધી છે. ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઓછી સંખ્યામાં ઉપલબ્ધ છે. કેટલાક ઓપરેટરો એવા છે કે જેઓ વેટ લીઝ પર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર લેવા માગે છે.
પાછલી ચૂંટણી કરતાં ચાર્ટર્ડ પ્લેનની માંગ વધારે છે
રોટરી વિંગ સોસાયટી ઓફ ઈન્ડિયા (RWSI)ના પ્રમુખ (વેસ્ટર્ન રિજન) કેપ્ટન ઉદય ગેલીએ જણાવ્યું હતું કે, “સામાન્ય દિવસોની સરખામણીએ ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટરની માંગમાં 25 ટકાનો વધારો થાય છે. માંગ કરતા પુરવઠો ઓછો છે.” તેમણે આગળ કહ્યું, “ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોમાં હેલિકોપ્ટરનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે.”
મુખ્યત્વે રાજકીય પક્ષો તેમના ઉમેદવારો અને નેતાઓ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે, જેથી તેઓ તેમના નિર્ધારિત વિસ્તારોમાં ઓછા સમયમાં પહોંચી શકે. બિઝનેસ એરક્રાફ્ટ ઓપરેટર્સ એસોસિયેશન (BAOA)ના મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન આરકે બાલીએ જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એરક્રાફ્ટની માંગ છેલ્લી સામાન્ય ચૂંટણીઓ કરતાં 30 થી 40 ટકા વધારે છે. બાલીએ વધુમાં જણાવ્યું હતું કે, “માગ અને પુરવઠા વચ્ચે હંમેશા અંતર રહ્યું છે. કેટલાક ઓપરેટરો હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ લીઝ પર લેવાનું વિચારી રહ્યા છે.”
ચૂંટણી દરમિયાન પ્લેન માટે કલાકદીઠ રૂ. 1.5 થી 1.7 લાખ
RWSI પ્રમુખ ઉદય ગેલીએ જણાવ્યું હતું કે, “એક સિંગલ એન્જિન હેલિકોપ્ટરનો કલાકદીઠ દર રૂ. 80,000 થી રૂ. 90,000 જેટલો છે, જ્યારે ટ્વીન-એન્જિનવાળા હેલિકોપ્ટર માટે તે રૂ. 1.5 થી 1.7 લાખની આસપાસ છે,” RWSI પ્રમુખ ઉદય ગેલીએ જણાવ્યું હતું બે એન્જિનવાળા માટે, તે રૂ. 3.5 લાખ સુધી જાય છે.”
સિંગલ એન્જિન હેલિકોપ્ટરમાં સાત લોકો બેસી શકે છે, જ્યારે ટ્વિન એન્જિનવાળા હેલિકોપ્ટરમાં 12 લોકો બેસી શકે છે. એક કલાક માટે ચાર્ટર્ડ પ્લેનની કિંમત 4.5 લાખથી 5.25 લાખ રૂપિયાની આસપાસ હશે.
ચૂંટણી પંચ દ્વારા સબમિટ કરવામાં આવેલા 2019-20 માટે પાર્ટીના વાર્ષિક ઓડિટ કરાયેલા હિસાબો અનુસાર, ભાજપે હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન પર 250 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. જ્યારે કોંગ્રેસે વિમાનો પાછળ 126 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી દેશભરમાં સાત તબક્કામાં શરૂ થશે. 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને ચૂંટણી યોજાશે જ્યારે પરિણામ 4 જૂને જાહેર થશે.