Lok Sabha Election : આજે મતદાનના દિવસે વડોદરાના વયોવૃદ્ધ મતદાતાઓ અન્ય મતદારો માટે પ્રેરણાનાસ્ત્રોત બન્યા છે. સિનિયર સિટીઝનમાં પણ મતદાનને લઈને ગજ્જબનો જુસ્સો જોવા મળી રહ્યો છે. જેમાં 104 વર્ષના વયોવૃદ્ધ મતદાર ઈચ્છાબેન સોમગીર મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ત્યાં જ બીજી તરફ 106 વર્ષના ગીતાબેનએ મતદાન કરી યુવાનોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
વાઘોડિયાના નિમેટા ખાતે મતદાન મથક પર જઈને 104 વર્ષના ઈચ્છાબેન સોમગીરે મતદાન કર્યું છે. વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે હરખભેર મતદાન કરીને અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી છે. મેરેજ થીમ આધારિત મોડેલ મતદાન મથક ખાતે હાજર રહીને પોતાનો અમૂલ્ય મત આપીને ગર્વની અનુભૂતિ કરતા ઈચ્છાબેન સોમગીરે જણાવ્યું હતું કે, “જિલ્લા ચૂંટણી તંત્રએ વયસ્ક મતદારો માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “વૃદ્ધાવસ્થાને કારણે મને ચાલવામાં તકલીફ પડે છે, પરંતુ મતદાન માટે મારો આત્મવિશ્વાસ ક્યારેય ડગ્યો નથી. મેં તમામ ચૂંટણીમાં મતદાન કરીને મારી નૈતિક ફરજ અદા કરી છે.”
તો બીજી તરફ વડોદરામાં 106 વર્ષના ગીતાબેનએ પણ મતદાન કર્યું છે. નવાયાર્ડ વિસ્તારમાં આવેલ લોકમાન્ય તિલક પ્રાથમિક શાળામાં ગીતાબેનએ મતદાન કર્યું. તેમના વિસ્તારના યુવાન વિજય જાદવ ગીતાબાને ઉચકીને મતદાન કેન્દ્ર પર લઈ ગયા હતા. કારણકે, તેઓ જાણે છે કે, તેમનો એક મત પણ લોકશાહી માટે કેટલો મહત્ત્વનો છે. ગીતાબેનનો આ જુસ્સો અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બન્યો છે. ગીતાબેને મતદાન કર્યા બાદ યુવાનોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી