Flood In Assam : આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે પણ અહીં પૂરની સ્થિતિ ગંભીર રહી હતી. ઘણા જિલ્લાઓમાં ચાર લાખ લોકો પૂરની અસરથી પીડિત છે. એક અધિકારીએ આ માહિતી આપી. કોપિલી, બરાક અને કુશિયારા સહિત ઘણી નદીઓ તેમના ખતરાના સ્તરથી ઉપર વહી રહી છે. 19 જિલ્લાના લગભગ ચાર લાખ લોકો પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેવા મજબૂર છે. આ જિલ્લાઓમાં બાજલી, બક્સા, બરપેટા, વિશ્વનાથ, કચર, દરરંગ, ગોલપારા, હૈલાકાંડી, હોજાઈ, કામરૂપ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, નાગાંવ, નલબારી, સોનિતપુર, દક્ષિણ સલમારા, તામુલપુર અને ઉદલગુરીનો સમાવેશ થાય છે.
કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી
આસામના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી થોડા દિવસોમાં વિવિધ સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ અને પૂરના કારણે કરીમગંજ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. અહીં બે લાખ લોકો પ્રભાવિત થયા હતા. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને તોફાનમાં મૃત્યુઆંક 36 પર પહોંચી ગયો છે. રાજ્યભરમાં 100 થી વધુ રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. આ શિબિરોમાં લગભગ 14,000 લોકોએ આશ્રય લીધો છે. પૂરના કારણે રસ્તાઓ અને પુલોને પણ નુકસાન થયું છે.