India Maldives Relationship : ભારત વિરોધી નિવેદન આપનારા માલદીવના નેતાઓને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો છે. થોડા દિવસો પહેલા માલવડીના વિદેશ મંત્રી ઝમીરે કહ્યું હતું કે જે થયું તે સરકારનો વિચાર નથી અને અમે માનીએ છીએ કે આવું ન થવું જોઈએ. આ સાથે જ ભારતે પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા પર પણ જોર આપ્યું છે.
ભારતે માલદીવ પર કર્યો ઉપકાર…
વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર હિતો અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત છે. તે જ સમયે, એસ જયશંકરે માલદીવ પર ભારત દ્વારા કરવામાં આવેલ ઉપકારની પણ યાદ અપાવી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે માલદીવના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણા દેશના પ્રોજેક્ટ્સથી માલદીવના લોકોના જીવનમાં ફાયદો થયો છે. ભારતના કારણે માલદીવમાં જીવનની ગુણવત્તામાં વધારો થયો છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે ભારતની મુલાકાતે આવેલા માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. એસ જયશંકરે કહ્યું, “જ્યાં સુધી ભારતનો સંબંધ છે, આ બેઠક અમારી નેબર ફર્સ્ટ નીતિ અને સાગર (પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વૃદ્ધિ) નીતિ હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો કરશે.
વિદેશ મંત્રી એસ જયશંકરે બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે, “વિશ્વ આજે અસ્થિર અને અનિશ્ચિત તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં, જેમ આપણે COVID દરમિયાન જોયું, કુદરતી આફતો અને આર્થિક મુશ્કેલીઓ દરમિયાન, પડોશીઓ સાથેની નજીકની ભાગીદારી ખૂબ મૂલ્યવાન છે.” છે.
બંને દેશો વચ્ચે કેમ થયો વિવાદ?
પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. તેણે ત્યાં થોડો સમય વિતાવ્યો અને આ ટાપુ પર વિતાવેલી કેટલીક પળો દુનિયા સાથે શેર કરી. આ પછી ઘણા લોકોએ લક્ષદ્વીપની સુંદરતાની તુલના માલદીવ સાથે કરી. માલદીવ સરકારના કેટલાક મંત્રીઓને આ વાતનું ખરાબ લાગ્યું. તેમણે ભારત વિરોધી ટિપ્પણી કરી હતી.
માલદીવના ‘યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલય’માં નાયબ મંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થયા બાદ સાંસદ ઝાહિદ રમીઝ અને માલદીવના અન્ય અધિકારીઓએ પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવી હતી. માલદીવના નેતાઓના આવા નિવેદનોને કારણે બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.