Biggest Military Exercise : ભારતીય વાયુસેનાની પ્રથમ બહુપક્ષીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ’ આજથી શરૂ થઈ છે. તેનો પ્રથમ તબક્કો તામિલનાડુના સુલુરમાં 6 થી 14 ઓગસ્ટ દરમિયાન અને બીજો તબક્કો 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજસ્થાનના જોધપુરમાં યોજાશે. આ કવાયતને ભારતમાં આયોજિત થનારી સૌથી મોટી કવાયત માનવામાં આવી રહી છે. જેમાં વાયુસેનાની સાથે સાથે દુનિયાના તમામ દેશોના એર વોરિયર્સ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે.
આ કવાયત માટે 51 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કવાયતમાં ઘણા દેશોના લડવૈયાઓ જેટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાથે તેમની લડાયક કુશળતાનું પ્રદર્શન કરશે. આ કવાયત અમેરિકાની ‘રેડ ફ્લેગ વોર ગેમ’ના સ્તરની હશે. નાટો દેશો રેડ ફ્લેગ વોર ગેમમાં ભાગ લે છે. રેડ ફ્લેગ વોર ગેમ જૂન 2023માં થઈ હતી અને ભારત તેના રાફેલ ફાઈટર એરક્રાફ્ટને તેમાં લઈ ગયું હતું.
ભારતના રાફેલ અને તેજસ એરક્રાફ્ટ સ્ટંટ બતાવશે
આ સૈન્ય અભ્યાસમાં વાયુસેનાના એલસીએ તેજસ, મિરાજ 2000 અને રાફેલ ભાગ લઈ રહ્યા છે. વિશ્વની 12 શ્રેષ્ઠ વાયુ સેનાના બહાદુર લડવૈયાઓ અને વ્યૂહાત્મક લિફ્ટ એરક્રાફ્ટ ‘તરંગ શક્તિ’ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્પેન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને UAE સહિત 12 દેશોના ફાઈટર જેટ્સ પણ આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે.