Kalaburagi Airport: કર્ણાટકના કલબુર્ગી એરપોર્ટ પર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ તરત જ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કંઈ મળ્યું ન હતું. આ ધમકી સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. કલબુર્ગી પોલીસ કમિશનર ચેતન આરએ જણાવ્યું કે એરપોર્ટ ડાયરેક્ટર ચિલ્કા મહેશને સોમવારે સવારે એક અનામી ID પરથી એક મેઇલ મળ્યો હતો. આ મેલમાં કલબુર્ગી એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “અમને ઈમેલ દ્વારા એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતાની સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તાત્કાલિક મોકલવામાં આવી હતી. ફ્લાઈટના તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. તમામ મુસાફરો અને એરપોર્ટ સ્ટાફને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા.” આખા એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી. થોડા કલાકો પછી, પોલીસે કહ્યું કે એરપોર્ટ પર બોમ્બ વિશે ખોટો અહેવાલ આપવામાં આવ્યો હતો.
એરપોર્ટ ડાયરેક્ટર ચિલ્કા મહેશે જણાવ્યું હતું કે, “સવારે 6:54 વાગ્યે, અમને એક ઈમેલ મળ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટર્મિનલ બિલ્ડિંગના બાથરૂમમાં પાંચ બોમ્બ મૂકવામાં આવ્યા છે. અમે તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, રાજ્ય પોલીસ, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરોને જાણ કરી હતી.” અમે તરત જ મુસાફરોને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા.” તેમણે આગળ કહ્યું, “ફ્લાઇટ બેંગલુરુથી લેન્ડ થતાં જ તેને તરત જ આઈસોલેશનમાં ધકેલી દેવામાં આવી હતી. મુસાફરોના સામાનની પણ તપાસ કરવામાં આવી હતી.”