ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ માર્યા ગયેલા ચંદન ગુપ્તાના કેસમાં કોર્ટે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બે લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. રાજધાની લખનૌમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ અદાલતે આ ચુકાદો આપ્યો છે. જોકે, કોર્ટ શુક્રવારે આ તમામ 28 આરોપીઓની સજાની જાહેરાત કરશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં યુપીના કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. એનઆઈએ કોર્ટની કાયદેસરતા અને સુનાવણી પર સ્ટે આપવા અંગે આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પછી હાઈકોર્ટની લખનૌ બેન્ચે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ લખનૌની NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો છે.
તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ યુપીનું વાતાવરણ પણ ગરમાયું હતું અને તેની સાથે કાસગંજ પણ હિંસાની આગમાં સળગી ગયું હતું. આ ઘટના અંગે પોલીસે મુખ્ય આરોપી ત્રણ ભાઈઓ વસીમ, નસીમ, સલીમની 100થી વધુ લોકોની સાથે ધરપકડ કરી હતી. હવે 8 વર્ષની કાનૂની લડાઈ બાદ ચંદનના પિતાને ન્યાય મળ્યો છે. 26 જાન્યુઆરી, 2018ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લોકોએ તિરંગા યાત્રા કાઢી હતી. આરોપ છે કે આ દરમિયાન એક ખાસ સમુદાયના લોકોએ તિરંગા યાત્રા પર પથ્થરમારો કર્યો અને ત્યારબાદ હિંસા ભડકી. આ હિંસામાં ચંદન ગુપ્તા નામના યુવકનું મોત થયું હતું.