13મી જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે અને દેશભરમાંથી વિવિધ અખાડાઓમાંથી સંતો-મહાત્માઓનું આગમન શરૂ થઈ ગયું છે. મહાકુંભ પહેલા એક મોટા ષડયંત્રને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે, મહાકુંભમાં વિસ્ફોટ કરીને આતંકવાદી કૃત્ય કરવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. મહાકુંભ પોલીસે બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આયુષ કુમાર જયસ્વાલ નામના યુવકની ધરપકડ કરી છે. નાસર પઠાણ નામના પાડોશીને ફસાવવા માટે તેણે સોશિયલ મીડિયા પર તેના નામે ધમકી આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર નાસર પઠાણ નામથી ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું, આ આઈડી દ્વારા લખવામાં આવ્યું હતું કે મહાકુંભમાં વિસ્ફોટથી એક હજાર લોકોના મોત થશે.
મહાકુંભમાં વિસ્ફોટની ધમકી મળતાં મહાકુંભ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આઈપી એડ્રેસ દ્વારા આરોપીની ઓળખ કરી હતી. આરોપીઓને પકડવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ આરોપી આયુષ કુમાર જયસ્વાલ નેપાળ ભાગી ગયો હતો. બિહાર પરત ફરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
મહાકુંભ પોલીસ અને બિહાર પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી . તેની પૂર્ણિયા જિલ્લાના ભવાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શહીદગંજ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરીને પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. અહીં તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપી આયુષ જયસ્વાલ હાલમાં અભ્યાસ કરે છે, તેણે પોતાના પાડોશીને ફસાવવા માટે આ કાવતરું ઘડ્યું હતું. જેથી પોલીસે નાસર પઠાણ નામના પાડોશીની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો.