Pune Bangalore Highway : કર્ણાટકના હાવેરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, શુક્રવારે વહેલી સવારે હાવેરીના બ્યાડગી તાલુકામાં ગુંદેનહલ્લી ચોક ખાતે એક વાન કથિત રીતે ટ્રક સાથે અથડાતાં 13 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ચાર ઘાયલ થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, હાવેરી જિલ્લાના બ્યાદાગી ખાતે નેશનલ હાઈવે 48 પર રોડની કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે વાન અથડાતાં સવારે 4.45 વાગ્યે આ અકસ્માત થયો હતો.
વાનમાં 17 લોકો સવાર હતા
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વાનમાં કુલ 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આમાંથી 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય બેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ચાર ઘાયલોમાંથી બેને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. રસ્તા પર ઉભેલી લારી સાથે અથડાતા પેસેન્જર વાહન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. કારમાંથી લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે.
ચિંચોલી માયમ્માના દર્શન કરીને લોકો પરત ફરી રહ્યા હતા.
હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે પીડિતો ચિંચોલી માયક્કા દેવસ્થાનથી શિવમોગ્ગા જિલ્લાના તેમના ગામ યેમેહટ્ટી જઈ રહ્યા હતા. ટ્રક હાઇવેની સાઈડમાં ઉભી હતી. ટેમ્પો ટ્રાવેલરે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. તેમણે કહ્યું કે મૃતદેહોને શબઘરમાં લઈ જવામાં આવ્યા છે અને ઘાયલોને હાવેરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા 13 લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
ગામમાં શોક પ્રસરી ગયો
હાવેરીના એસપી અંશુકુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓએ ટીટી વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 13 લોકોના મોતના સમાચાર સાંભળીને એમ્મેહટ્ટી ગામના લોકો આઘાતમાં છે અને ગામમાં શોકનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે.