Bharatiya Janata Party : ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પાસે મહારાષ્ટ્ર અને ધર્મેન્દ્ર પ્રધાન પાસે હરિયાણાની જવાબદારી રહેશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષના અંતમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. અગાઉ ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર માટે રાજ્ય ચૂંટણી પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.
ધર્મેન્દ્ર પ્રધાન હરિયાણાના પ્રભારી બન્યા
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રના પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હરિયાણાના પ્રભારી હશે. બિપ્લબ કુમાર દેબને સહ-પ્રભારી બનાવાયા છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જવાબદારી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ખભા પર રહેશે. તેમને અહીં પ્રભારી બનાવવામાં આવ્યા છે. હિમંતા બિસ્વા સરમા સહ-પ્રભારી રહેશે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.