Eviction Notice: 200 થી વધુ ભૂતપૂર્વ લોકસભા સાંસદોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે જેમણે લ્યુટિયન્સ દિલ્હીમાં પોતાનો બંગલો ખાલી કર્યો નથી. આ નોટિસ તેમને જાહેર જગ્યા (અનધિકૃત કબજેદારોની હકાલપટ્ટી) કાયદા હેઠળ જારી કરવામાં આવી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ સોમવારે આ માહિતી આપી.
નિયમો અનુસાર, ભૂતપૂર્વ સાંસદોએ અગાઉની લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર તેમના સરકારી બંગલા ખાલી કરવા પડે છે. આ સાંસદોને વહેલી તકે તેમના સત્તાવાર બંગલા ખાલી કરવા કહેવામાં આવ્યું છે. જે પૂર્વ સાંસદોએ પોતાના બંગલા ખાલી કર્યા નથી તેમને નોટિસ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જો ભૂતપૂર્વ સાંસદો ટૂંક સમયમાં તેમના સરકારી આવાસ ખાલી નહીં કરે, તો અધિકારીઓની ટીમો મોકલવામાં આવશે અને બળ દ્વારા બહાર કાઢવામાં આવશે.
જો કે, અત્યાર સુધી કોઈ પૂર્વ કેન્દ્રીય મંત્રીને નિર્ધારિત મુદતથી વધુ રહેવા બદલ ખાલી કરવાની નોટિસ જારી કરવામાં આવી નથી. સ્મૃતિ ઈરાની સહિત ચારથી વધુ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ લુટિયન્સ દિલ્હીમાં તેમનો સરકારી બંગલો ખાલી કર્યો છે. ઈરાની અમેઠી સંસદીય બેઠક પરથી કોંગ્રેસના નેતા કિશોરી લાલ શર્મા સામે 1.5 લાખથી વધુ મતોના અંતરથી હારી ગયા હતા. જે બાદ ઈરાનીએ આ મહિનાની શરૂઆતમાં લુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રેસન્ટ સ્થિત પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો હતો.