PM Modi Wayanad Visit : કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ આપત્તિગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પછી તેમણે આપત્તિગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી. હવાઈ સર્વેક્ષણ દરમિયાન, પીએમ મોદીએ ઇરુવાઝિંજી પુઝા નદીના ઉદ્ગમ સ્થાન પર ભૂસ્ખલન સ્થળ જોયું. આ સાથે તેમણે દુર્ઘટનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. વડા પ્રધાનની આ મુલાકાત વાયનાડમાં ભૂસ્ખલનથી પીડિતોને સહાય પૂરી પાડવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કરવામાં આવી છે.
પીડિતોની મુલાકાત લેશે
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી એક બેઠકની અધ્યક્ષતા કરશે જેમાં તેઓ રાહત અને પુનર્વસન માટે થઈ રહેલા પ્રયાસોની સમીક્ષા કરશે. આ પછી તે હોસ્પિટલમાં ઘાયલોને મળશે. તમને જણાવી દઈએ કે વાયનાડમાં 30 જુલાઈએ થયેલા ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં સેંકડો લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. આ દુર્ઘટનામાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસઓજી અને વન અધિકારીઓની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે.
રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ
પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વિપક્ષ સતત વાયનાડ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની અને આ દુર્ઘટનામાં પ્રભાવિત લોકો માટે વળતર વધારવાની માંગ કરી રહ્યો છે. પીએમ મોદીની વાયનાડ મુલાકાતને લઈને વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીનો આભાર માનતા, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, આ ભયાનક દુર્ઘટનાનો વ્યક્તિગત રીતે હિસ્સો લેવા વાયનાડ આવવા બદલ આભાર. આ એક સારો નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એકવાર વડા પ્રધાન આ વિનાશની તીવ્રતા જાતે જોશે તો તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. કેરળના મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું કે રાજ્ય સરકાર પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને આશ્રય, ખોરાક અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.