Heritage: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન આ પ્રસંગે સભાને સંબોધશે. PMOના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રે અઝોલે પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ભારત પ્રથમ વખત વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું આયોજન કરી રહ્યું છે. જેનું આયોજન 21 થી 31 જુલાઈ દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ કમિટી વર્ષમાં એકવાર મળે છે.
મીટિંગ દરમિયાન, વર્લ્ડ હેરિટેજ સૂચિમાં નવા સ્થળોને નામાંકિત કરવા માટેની દરખાસ્તો, હાલની 124 વર્લ્ડ હેરિટેજ મિલકતોના સંરક્ષણ અહેવાલોની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સહાય અને વર્લ્ડ હેરિટેજ ફંડનો ઉપયોગ વગેરે અંગે ચર્ચા કરવામાં આવશે. તેમાં 150 થી વધુ દેશોના 2000 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક સાથે વર્લ્ડ હેરિટેજ યંગ પ્રોફેશનલ્સ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ મેનેજર્સનું એક મંચ પણ આયોજિત કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ભારતની સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે ભારત મંડપમમાં વિવિધ પ્રદર્શનો પણ યોજવામાં આવશે. રિટર્ન ઓફ ટ્રેઝર્સ પ્રદર્શનમાં દેશમાં પરત લાવવામાં આવેલી કેટલીક કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધીમાં 350 થી વધુ કલાકૃતિઓ પરત લાવવામાં આવી છે.
આ ઉપરાંત, ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વર્ષો જૂની સંસ્કૃતિ, ભૌગોલિક વિવિધતા, પ્રવાસન સ્થળો અને માહિતી ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં આધુનિક વિકાસને ઉજાગર કરવા માટે ‘અતુલ્ય ભારત’ પ્રદર્શન પણ ગોઠવવામાં આવશે.