Karnataka Job Reservation Bill : કોંગ્રેસ કારોબારી સભ્ય અને લોકસભા સાંસદ શશિ થરૂરે શુક્રવારે કોંગ્રેસ શાસિત કર્ણાટક સરકારના અનામત બિલની ટીકા કરી હતી. નોંધનીય છે કે કર્ણાટક સરકારે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં સ્થાનિકોને અનામત આપવા માટે એક બિલ રજૂ કર્યું હતું.
થરૂરે આ બિલને ગેરબંધારણીય અને ગેરવાજબી ગણાવ્યું હતું. કોંગ્રેસ નેતાએ જોકે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકાર દ્વારા બિલ પાછું ખેંચવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં થરૂરે કહ્યું, ‘તે સમજદારીભર્યો નિર્ણય નહોતો. જો દરેક રાજ્ય સમાન કાયદો લાવે તો તે ગેરબંધારણીય ગણાશે. બંધારણ મુજબ દરેક નાગરિકને દેશના કોઈપણ ભાગમાં રહેવા, કામ કરવાની અને મુસાફરી કરવાની સ્વતંત્રતા છે.
‘ધંધો પાડોશી રાજ્યોમાં જશે’
કોંગ્રેસ સાંસદે કહ્યું કે સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકાર દ્વારા લાવવામાં આવેલા સમાન બિલને ફગાવી દીધું છે. લોકસભામાં તિરુવનંતપુરમનું પ્રતિનિધિત્વ કરતા થરૂરે કહ્યું કે જો કર્ણાટક આવું કરશે તો તેનો વ્યવસાય તેના પડોશી રાજ્યો તમિલનાડુ અને કેરળમાં શિફ્ટ થઈ જશે. કર્ણાટક કેબિનેટે સોમવારે ઉદ્યોગો, કારખાનાઓ અને અન્ય સંસ્થાઓમાં સ્થાનિક ઉમેદવારો માટે કર્ણાટક રાજ્ય રોજગાર બિલ 2024ને મંજૂરી આપી છે.