સ્વચ્છ ભારત અભિયાન : એક ઈન્ટરનેશનલ સાયન્સ જર્નલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતના ‘સ્વચ્છ ભારત મિશન’ને કારણે દર વર્ષે લગભગ 60 થી 70 હજાર શિશુઓના જીવ બચે છે. ‘નેચર’માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયના નિર્માણને કારણે ભારતમાં બાળ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ અભ્યાસ પાંચ વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબર 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન હતું જે અંતર્ગત 2020 સુધીમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનું હતું. આ અંતર્ગત સરકારે લગભગ 10 કરોડ શૌચાલય બનાવ્યા. 6 લાખ ગામોને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરાયા છે.
સ્વચ્છ ભારત અભિયાન
આ લેખમાં કહેવામાં આવ્યું છે કે શિશુ મૃત્યુ દર અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુદર પર અર્ધ-પ્રાયોગિક અભ્યાસ કરવામાં આવ્યો છે.
આ અભ્યાસ માટે 10 રાજ્યો અને 640 જિલ્લાઓમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ આંકડા 2011 થી 2020 સુધીના હતા. લેખમાં કહેવામાં આવ્યું છે કે, સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત પછી, એવું જાણવા મળ્યું છે કે બાળકો અને શિશુઓના મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થયો છે. શક્ય છે કે મોટી સંખ્યામાં શૌચાલયોના નિર્માણને કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો હોય. જે વાર્ષિક 60 થી 70 હજારની આસપાસ છે. અભ્યાસ કહે છે કે સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયા બાદ બાળ મૃત્યુદરમાં સરેરાશ 0.9 ટકાનો ઘટાડો થયો છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 1.1 પોઈન્ટનો ઘટાડો થયો છે.
આ ઉપરાંત, શુદ્ધ પાણી અને સ્વચ્છતાની ઉપલબ્ધતાને કારણે બાળ મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. ભારત જેવા દેશમાં ખુલ્લામાં શૌચ એ એક મોટી સમસ્યા હતી, જે ઘણી હદ સુધી હલ થઈ ગઈ છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે આ અભ્યાસમાં એવા પુરાવા છે કે કેવી રીતે સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયા બાદ બાળકોના મૃત્યુમાં ઘટાડો થયો છે અને સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે અગાઉ ડાયેરિયા અને આ પ્રકારના અન્ય રોગોના કારણે બાળકોના મૃત્યુ થતા હતા, જે નોંધપાત્ર રીતે ઘટ્યા છે. શૌચાલયોને કારણે ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા ઘટી છે.
NFSU ગાંધીનગરમાં શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ,કુલપતીએ કહી આ વાત.