Modi 3.O: લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. થોડા જ કલાકોમાં, નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 વાગ્યે તેમના ત્રીજા કાર્યકાળ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. જાણકારી અનુસાર તેમની સાથે 40 અન્ય સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતના કુલ 6 ચહેરાઓનો સમાવેશ થશે. જેમાં 4 લોકસભા સાંસદ અને બે રાજ્યસભા સાંસદોના નામ સામેલ છે. તમે નીચેની યાદીમાં 4 લોકસભા સાંસદો અને 2 રાજ્યસભા સાંસદોના નામની વિગતો વાંચી શકો છો.
ચાર લોકસભા સાંસદો
- અમિત શાહ
- સી આર પાટીલ
- મનસુખ માંડવિયા
- નીમુ બેન બાભણીયા
રાજ્યસભાના બે સાંસદો
- એસ જયશંકર
- જેપી નડ્ડા
યુપીમાંથી મંત્રી બનાવવાની યાદીમાં કયા નેતાઓનો સમાવેશ?
આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશના પાંચ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. આજે જે મંત્રીઓ શપથ લેવાના છે તેઓને પણ પીએમઓ તરફથી ફોન આવવા લાગ્યા છે. તેમને પીએમના નિવાસસ્થાને ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાંથી મંત્રી બનાવવામાં આવેલા લિસ્ટમાં જયંત ચૌધરી, અનુપ્રિયા પટેલ, પંકજ ચૌધરી, રાજનાથ સિંહ અને જિતિન પ્રસાદના નામ સામેલ છે.
આ વખતે વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ બનવાનો છે. આ સમારોહમાં એક તરફ વિશ્વભરના મોટા અને દિગ્ગજ નેતાઓ ભાગ લેશે, તો બીજી તરફ સ્વચ્છતા કાર્યકરો, ટ્રાન્સજેન્ડરો અને મજૂરો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે.
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દેશભરમાંથી 10 વંદે ભારત ટ્રેનના લોકો પાઈલટને પણ ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં ચાર મહિલા લોકો પાઈલટનો પણ સમાવેશ થાય છે.