ભારતમાં ટૂંક સમયમાં હાઇડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે. આ ટ્રેનનું ટ્રાયલ પણ શરૂ થઈ ગયું છે. આ ટ્રેનનો ટ્રાયલ રન હરિયાણાના સોનીપત-જીંદ રૂટ પર ચાલી રહ્યો છે. આ ટ્રેન ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે બનાવવામાં આવી છે અને 89 કિમી લાંબા રૂટ પર તે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે એક સમયે 2638 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. વીજળી અને ડીઝલ વગર ચાલતી આ ટ્રેન અન્ય ટ્રેનોથી સાવ અલગ છે.
હાઇડ્રોજન ટ્રેન સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે, કારણ કે તેને ચલાવવા માટે વીજળી, કોલસો અને ડીઝલની જરૂર નથી. આ ટ્રેનમાં ખાસ પ્રકારના ફ્યુઅલ સેલ લગાવવામાં આવ્યા છે. તે હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજનની મદદથી વીજળી ઉત્પન્ન કરીને ચલાવવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયામાં, ફક્ત પાણી (H₂O) અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે કોઈ પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી.
આ ટ્રેનનો ટ્રાયલ રન સોનીપત-જીંદ રૂટ પર થઈ રહ્યો છે. આ ટ્રેન ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. આ ટ્રેનની ક્ષમતા ૧૨૦૦ હોર્સપાવર છે, જે એક સમયે ૨૬૩૮ મુસાફરોને લઈ જઈ શકે છે. હાલમાં, ભારતમાં 2,800 કરોડ રૂપિયાના ખર્ચે 35 પર્યાવરણને અનુકૂળ હાઇડ્રોજન ટ્રેનોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
હાઇડ્રોજન ટ્રેનમાં 8 કોચ હશે. ભારતમાં બનેલી હાઇડ્રોજન ટ્રેન વિશ્વની સૌથી લાંબી છે. તેની ગતિ વિશ્વની હાઇડ્રોજન ટ્રેનોમાં પણ સૌથી ઝડપી છે. આ ટ્રેન તૈયાર કરતી વખતે ગ્રીન ટેકનોલોજીને ધ્યાનમાં રાખવામાં આવી છે, જેનો ઉદ્દેશ કાર્બન ઉત્સર્જન ઘટાડીને શૂન્ય કાર્બન લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે. ટ્રાયલ દરમિયાન, ટ્રેનના સલામતી ધોરણો અને તકનીકી ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે.
જો ટ્રાયલ સફળ થશે તો તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ટકાઉ અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાની દિશામાં ભારતીય રેલ્વેનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય રેલ્વેએ ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ નામના ખાસ પ્રોજેક્ટ હેઠળ પહાડી અને વારસાગત રૂટ પર 35 હાઇડ્રોજન ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી છે. આ યોજનાઓ માટે 600 કરોડ રૂપિયાનું અલગ ભંડોળ રાખવામાં આવ્યું છે.