
Badrinath Highway Accident: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને આ ઘટનાની તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોતના સમાચાર છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સીએમ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.
શનિવારે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં મુસાફરોથી ભરપૂર એક ટેમ્પો ટ્રાવેલર કાબૂ બહાર નીકળી ગયો અને અલકનંદા નદીમાં પડી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે ટેમ્પો ટ્રાવેલરમાં 20 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોતના સમાચાર છે.
જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, SDRF અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું.
આ ઘટના અંગે રુદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે 23 મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અચાનક કાબૂ બહાર ગયો અને રૌતેલી નજીક અલકનંદા નદીમાં પડી ગયો. જે બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં 15 મુસાફરોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેની હાલત અત્યંત ગંભીર છે. અન્ય લોકોને બચાવવામાં આવી રહ્યા છે.
