વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ નામની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશની સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓને આ યોજનાનો લાભ મળશે. માહિતી અનુસાર, નવી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તરીકે ત્રણ કેલેન્ડર વર્ષ 2025, 2026 અને 2027 માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન માટે કુલ 6,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
વન નેશન વન સબસ્ક્રિપ્શન શું છે?
કેન્દ્ર સરકારે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ યોજના હેઠળ 1.8 કરોડ વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનોને લાભ થશે. આ યોજના હેઠળ, વિશ્વભરના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન અને લેખો અહીં અભ્યાસ માટે એકસાથે જોવા મળશે. તેનાથી વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર્સને સીધો ફાયદો થશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, દેશની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓને વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના સાથે જોડવામાં આવશે. જેમાં કોઈપણ વિદ્યાર્થીને તેના અભ્યાસ માટે કોઈપણ લેખની જરૂર હોય તે અહીં મળશે. આ સિવાય 30 જેટલા આંતરરાષ્ટ્રીય મેગેઝિન પબ્લિશર્સને પણ તેમાં જોડવામાં આવશે. જેમાં તમામ પ્રકાશકો દ્વારા પ્રકાશિત લગભગ 13,000 ઈ-મેગેઝીન 6,300 થી વધુ સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્દ્રીય સંશોધન અને વિકાસ સંસ્થાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આમાં, વિદ્યાર્થીઓ કેન્દ્રીય એજન્સી ઇન્ફર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (INFLIBNET) દ્વારા સભ્યપદ લઈ શકે છે, જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ના આંતર-યુનિવર્સિટી કેન્દ્ર છે. જેનો અમલ 1 જાન્યુઆરી, 2025થી થશે. આ યોજના લાગુ કરવાનો ઉદ્દેશ્ય દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે.