ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીને ICC દ્વારા એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ફરીથી ICC મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંગુલીને વર્ષ 2021 માં પહેલીવાર ચેરમેન પદ આપવામાં આવ્યું હતું, તે સમયે તેમણે અનિલ કુંબલેનું સ્થાન લીધું હતું. તે પહેલાં, કુંબલેએ તેમના ત્રણ કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. ગાંગુલી ઉપરાંત, વીવીએસ લક્ષ્મણને પણ આ સમિતિનો ભાગ બનાવવામાં આવ્યા છે.
સૌરવ ગાંગુલી સાથે ICC ની મેન્સ ક્રિકેટ કમિટીનો ભાગ બનેલા સભ્યોમાં VVS લક્ષ્મણ, અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર હામિદ હસન, વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ખેલાડી ડેસમંડ હેન્સ, દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમા અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોનાથન ટ્રોટનો સમાવેશ થાય છે.

બીજી તરફ, ICC મહિલા ક્રિકેટ સમિતિની વાત કરીએ તો, ન્યુઝીલેન્ડની ભૂતપૂર્વ ઓફ-સ્પિન બોલર કેથરિન કેમ્પબેલને ચેરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમના ઉપરાંત, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી એવરિલ ફાહી અને ફ્લોત્સી મોસેકીને પણ મહિલા સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
ICC એ તાજેતરમાં BCCI, ECB અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે મળીને એક નવી પહેલ શરૂ કરી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવ્યા પછી, મહિલાઓ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા. આવી સ્થિતિમાં મહિલાઓ પર ક્રિકેટ રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ICC ની નવી પહેલ પછી, વિસ્થાપિત અફઘાન મહિલા ક્રિકેટરોને નાણાકીય સહાય તેમજ તાલીમ માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
ICCના ચેરમેન જય શાહે પણ આ નવી પહેલ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ પહેલ મહિલા ક્રિકેટરોમાં આશાનું નવું કિરણ લાવશે.