
સરફરાઝ ખાનની 150 રનની શાનદાર ઇનિંગ અને રિષભ પંતની 99 રનની ઝડપી ઇનિંગની મદદથી ભારતે બેંગલુરુ ટેસ્ટની બીજી ઇનિંગમાં 462 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જોકે, ચોથા દિવસે અંતિમ સત્રમાં ન્યૂઝીલેન્ડે સ્કોરનો પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે વરસાદે રમત અટકાવી દીધી હતી. જેના કારણે દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી.
મુલાકાતી ટીમે તેના બીજા દાવમાં માત્ર ચાર બોલનો સામનો કર્યો હતો. આમાં ઓપનર બેટ્સમેન ટોમ લાથમ અને ડેવોન કોનવે હજુ રન બનાવવાના બાકી છે. હવે ભારતીય ચાહકોના મનમાં મોટો પ્રશ્ન છે: શું ભારત અંતિમ દિવસે કોઈ ચમત્કાર કરશે? ન્યુઝીલેન્ડ સામે 107 રનનો બચાવ કરશે?
ટેસ્ટ ક્રિકેટમાં ભારતે કયા સૌથી ઓછા રનનો બચાવ કર્યો છે?
જો કે હાલમાં ન્યુઝીલેન્ડનો હાથ ઉપર છે, પરંતુ ભારત પાસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ઝડપી બોલરો છે. આ સિવાય જો રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સ્પિન ત્રિપુટી સારૂ પ્રદર્શન કરશે તો મેચનું પરિણામ કંઈ પણ આવી શકે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતે 107 રનના લક્ષ્યનો બચાવ કર્યો છે, જે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. તેણે 2004માં વાનખેડે ખાતે ઓસ્ટ્રેલિયાને 93 રનમાં આઉટ કર્યો હતો, જ્યાં સ્પિનરોએ 9 વિકેટ લીધી હતી. હરભજન સિંહે પાંચ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નીચા લક્ષ્યનો બચાવ
ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોરનો બચાવ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. તે 1882માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે માત્ર 85 રન બનાવીને બચાવ કરવામાં સફળ રહ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 77 રનમાં આઉટ થઈ ગઈ હતી. 2004માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનું પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનો ત્રીજો સૌથી ઓછો ડિફેન્ડિંગ સ્કોર છે. અગાઉ 2000માં પોર્ટ ઓફ સ્પેનમાં ઝિમ્બાબ્વે સામે 99 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે વેસ્ટ ઈન્ડિઝે તેમને માત્ર 63 રનમાં આઉટ કરી દીધા હતા.
