Lakshya sen Paris Olympics 2024: ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને આજે (31 જુલાઈ) પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. લક્ષ્યે વર્લ્ડ નંબર 4 જોનાથન ક્રિસ્ટીને સીધી ગેમમાં હરાવ્યો હતો.
લક્ષ્યે આ મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 23 વર્ષીય લક્ષ્ય માટે આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે તેણે તેના કરતા ઉંચી રેન્ક ધરાવતા ખેલાડીને હરાવ્યો હતો. ક્રિસ્ટીને ઓલિમ્પિકમાં ત્રીજો સીડ આપવામાં આવ્યો છે. લક્ષ્યે બેડમિન્ટન મેન્સ સિંગલ્સના ગ્રુપ પ્લે સ્ટેજની ગ્રુપ એલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
લક્ષ્ય અને ક્રિસ્ટી વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. જ્યાં લક્ષ્યે આ રમતમાં સંપૂર્ણ જીત મેળવી હતી. બંને વચ્ચેની આ મેચ 51 મિનિટ સુધી ચાલી હતી. પ્રથમ ગેમમાં લક્ષ્યે ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને રોમાંચક રીતે 21-18થી હરાવ્યો હતો. લક્ષ્યને ક્રિસ્ટી સામેની પહેલી ગેમ જીતવામાં 28 મિનિટ લાગી. બીજી ગેમમાં લક્ષ્યે ક્રિસ્ટીને માત્ર 23 મિનિટમાં 21-12થી પરાજય આપ્યો હતો.
લક્ષ્ય સેન તેની પ્રથમ ઓલિમ્પિક રમી રહ્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024ની તેની પ્રથમ મેચમાં કેવિન કોર્ડનને હરાવ્યો હતો. પરંતુ ગ્વાટેમાલાનો ખેલાડી કોણીની ઈજાને કારણે ઓલિમ્પિકમાંથી ખસી ગયો હતો. આ પછી તેમના તમામ પરિણામો ‘ડીલીટ’ કરવામાં આવ્યા હતા. આ રીતે લક્ષ્ય સેનનો પ્રથમ વિજય વ્યર્થ ગયો. આ પછી લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સના ગ્રુપ એલમાં બેલ્જિયમના જુલિયન કેરેજને હરાવ્યો હતો. લક્ષ્યની વર્તમાન રેન્કિંગ 22 છે.