
ચીનના એક સ્ટાર્ટઅપે અણુશક્તિ ધરાવતી બેટરી બનાવી છે. કંપનીનો દાવો છે કે તે 50 વર્ષ સુધી ચાર્જિંગ અને મેન્ટેનન્સ વગર પાવર આપશે. આ બેટરીની સાઈઝ એક સિક્કા જેટલી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઇજિંગના બેટાવોલ્ટ સ્ટાર્ટઅપે આ મોડ્યુલમાં 63 આઇસોટોપને સંકુચિત કરવામાં સફળ થયા છે, જે એક સિક્કા કરતા પણ નાના છે. કંપનીએ એમ પણ કહ્યું કે આ દુનિયાની પહેલી એવી બેટરી છે જે સૌથી નાના સ્વરૂપમાં પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરે છે. કંપનીનો દાવો છે કે આ બેટરી ન તો આગ પકડી શકે છે અને ના તો દબાણમાં વિસ્ફોટ થાય છે, કારણ કે તેનું પરીક્ષણ અલગ-અલગ તાપમાન પર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જનરેશનની બેટરી હાલમાં ટેસ્ટીંગ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ તે મોબાઈલ ફોન અને ડ્રોન જેવા ઉપકરણો માટે મોટા પાયા પર બનાવવામાં આવશે.

કંપનીએ કહ્યું કે બીટાવોલ્ટ એટોમિક એનર્જી બેટરી ઘણા સાધનો જેમ કે એરોસ્પેસ, એઆઈ સાધનો, મેડિકલ ઈક્વિપમેન્ટ, માઈક્રોપ્રોસેસર, એડવાન્સ સેન્સર્સ, નાના ડ્રોન અને માઈક્રો રોબોટ્સને લાંબા ગાળાની પાવર સપ્લાઈ કરી શકે છે. આ બેટરી ખાસ કરીને AIની દુનિયામાં ક્રાંતિ લાવવાનું કામ કરશે.
બેટરીનું ડાયમેન્શન 15X15X5 mm છે. તે અણુ આઇસોટોપ્સ અને હીરા સેમિકન્ડક્ટરના પાતળા સ્તરોથી બનેલું છે. ન્યુક્લિયર બેટરી હાલમાં 3 વોલ્ટમાં 100 માઇક્રોવોટ વીજળી ઉત્પન્ન કરે છે. કંપની 2025 સુધીમાં તેને 1 વોટ પાવર પર લઈ જવાની યોજના ધરાવે છે. બીટાવોલ્ટનું કહેવું છે કે આ એક પાતળી ન્યુક્લિયર બેટરી છે, જે 100 માઇક્રોવોટનો પાવર જનરેટ કરે છે.
બેટરી કેવી રીતે કામ કરે છે?
આ બેટરી આઇસોટોપમાંથી નીકળતી ઊર્જાને વીજળીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયા સૌપ્રથમ 20મી સદીમાં વિકસાવવામાં આવી હતી. સોવિયત યુનિયન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે આ કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો. વૈજ્ઞાનિકોએ આ ટેક્નોલોજીનો ઉપયોગ પાણીની અંદરની સિસ્ટમ અને રિમોટ સાયન્ટિફિક સ્ટેશનમાં કર્યો હતો. જો કે તેની કિંમત વધુ હોઈ શકે છે અને ઉત્પાદન બાદ તે મોંઘી બેટરી સાબિત થઈ શકે છે.
