Nikitin Seamount: હિંદ મહાસાગરમાં પાણીની અંદર અફનાસી નિકિતિન સીમાઉન્ટ પર્વત પર શ્રીલંકા અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત આ પર્વત પર ખોદકામ શરૂ કરવાના અધિકારો ઉતાવળમાં મેળવવા માંગતું હતું, પરંતુ સફળ થઈ શક્યું નહીં. ભારતે જમૈકા સ્થિત ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી પાસેથી આ માટે દાવો કર્યો હતો. પરંતુ સીબેડે ભારતના દાવાને એ આધાર પર ફગાવી દીધો કે શ્રીલંકા પણ આ દરિયાઈ વિસ્તાર પર દાવો કરી રહ્યું છે.
ભારતે આ પર્વતનો કબજો મેળવવા માટે 5 લાખ ડોલરની ફી ખર્ચી છે. ભારતને સૌથી મોટો ખતરો શ્રીલંકાથી નહીં પરંતુ ચીનથી છે, કારણ કે ચીનની નજર પણ આ પહાડ પર છે અને તે શ્રીલંકાની મદદથી તેના પર નિયંત્રણ મેળવવા માંગે છે. આ પર્વતમાં કોબાલ્ટનો મોટો જથ્થો હોવાનું અનુમાન છે. Afanasy Nikitin Seamount મધ્ય હિંદ મહાસાગરમાં સ્થિત છે અને તે ત્રણ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
ભારતની ઉતાવળનું કારણ શું?
આજે કોબાલ્ટનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મોબાઈલ ફોનથી લઈને ઈલેક્ટ્રિક વાહનોમાં થઈ રહ્યો છે. તેની મદદથી હથિયાર પણ બનાવવામાં આવી રહ્યા છે. ભારત 15 વર્ષ સુધી આ પર્વતનું સર્વેક્ષણ કરવા માંગે છે. ભારતે આ સર્વે માટે ઈન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી પાસેથી મંજૂરી માંગી હતી. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રના નિયમો હેઠળ બનાવવામાં આવી છે. ભારત ઉપરાંત શ્રીલંકા પણ આ ખનિજ પર દાવો કરે છે. ભારતની ઉતાવળનું કારણ ચીન છે, કારણ કે ચીન હિંદ મહાસાગરમાં પણ પોતાની હાજરી વધારી રહ્યું છે.
કોબાલ્ટના વેપારના મામલે ચીન વિશ્વભરમાં પ્રભુત્વ ધરાવે છે, કારણ કે વિશ્વના 70 ટકા કોબાલ્ટ પર ચીનનું નિયંત્રણ છે. દરિયાઈ બાબતોના એક ભારતીય નિષ્ણાતે અલ જઝીરાને જણાવ્યું હતું કે ‘ભારતનો ઉદ્દેશ તાત્કાલિક ખાણકામ કરવાનો નથી, પરંતુ તે વિસ્તાર પર નિયંત્રણ મેળવવાનો છે, કારણ કે ચીન આવે તે પહેલાં ભારત તે જગ્યા પર પોતાનો દાવો સ્થાપિત કરવા માંગે છે.’
કોબાલ્ટ ભારત માટે કેટલું મહત્વનું છે?
અન્ય એક નિષ્ણાતે કહ્યું કે અફનાસી નિકિતિન સીમાઉન્ટ પર ભારતનો દાવો ઘણો મજબૂત છે, કારણ કે અત્યાર સુધી નિકિતિન સીમાઉન્ટ કોઈપણ દેશના આર્થિક ક્ષેત્રની બહાર છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારત તેની દરિયાની અંદર ખાણકામની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. વર્ષ 2021માં ભારતે ડીપ ઓશન મિશન શરૂ કર્યું, જેથી સમુદ્રની અંદર સંશોધન કરી શકાય. ભારતની નજર સમુદ્રની નીચે છુપાયેલા કોબાલ્ટ અને અન્ય ખનિજો પર છે, કારણ કે ભારત વર્ષ 2070 સુધીમાં દેશને કાર્બન ઉત્સર્જનથી મુક્ત કરવા માંગે છે. આવી સ્થિતિમાં ભારત માટે કોબાલ્ટની મોટી ભૂમિકા છે.
દરમિયાન શ્રીલંકાના મીડિયાએ ખુલાસો કર્યો છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ભારતને ખોદકામના અધિકારો આપવા માટે સંમતિ દર્શાવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના અદાણી ગ્રૂપ અને તાઈવાનની કંપની ઉમિકોર કોબાલ્ટની શોધ માટે હાથ મિલાવ્યા છે. ભારત અને તાઈવાન મળીને ચીનને આ વિસ્તારમાંથી દૂર કરવા માંગે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના વિદેશ મંત્રી શ્રીલંકા આવી રહ્યા છે અને આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.