Jain Idols News: ગુજરાતના પાવાગઢ ટેકરી પર કાલિકા માતાના મંદિર તરફ જતી પ્રાચીન સીડીની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જૂની જૈન તીર્થંકર નેમિનાથની મૂર્તિઓ હટાવવાને લઈને જૈન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. ગુજરાત સરકારે સોમવારે પંચમહાલ જિલ્લાના અધિકારીઓને પાવાગઢ ટેકરી પર કાલિકા માતા મંદિર તરફ જતી સીડીઓ પાસે સદીઓ જૂની જૈન મૂર્તિઓને તેમના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે જૈન સમુદાયના લોકોએ કથિત રીતે આ પ્રાચીન મૂર્તિઓને હટાવવાનો વિરોધ કર્યો હતો. સમુદાયના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે જૈન તીર્થંકરો (સર્વોચ્ચ આધ્યાત્મિક ગુરુ)ની આ મૂર્તિઓને મંદિર ટ્રસ્ટ દ્વારા રિનોવેશન પ્રોજેક્ટના ભાગરૂપે દૂર કરવામાં આવી હતી. જો કે, ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે સીડીઓ પરનો જૂનો શેડ હટાવતી વખતે તેઓ વિસ્થાપિત થયા હોઈ શકે છે. ટ્રસ્ટે એમ પણ કહ્યું હતું કે આ કોઈ દ્વેષથી કરવામાં આવ્યું નથી.
જૈન અગ્રણી દિનેશ શાહે જણાવ્યું હતું કે સોમવારે સવારે સમુદાયના કેટલાક સભ્યોએ જોયું કે મૂર્તિઓને બાજુની દિવાલો પરથી હટાવીને એક જગ્યાએ રાખવામાં આવી હતી. આ 6 થી 7 મૂર્તિઓ હટાવવાની માહિતી મળતાં જ જૈન સમાજના સભ્યો અને ધર્મગુરુઓએ વડોદરા, હાલોલ અને સુરતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૈન સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હોવાનું કહેવાય છે. હર્ષ સંઘવીએ સીએમ સાથેની બેઠક બાદ આ પ્રતિમાઓને તેમના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. સંઘવીએ કહ્યું કે આ મૂર્તિઓ સદીઓ પહેલા ત્યાં મૂકવામાં આવી હતી. લોકો આ મૂર્તિઓની પૂજા કરતા હતા. આ પ્રતિમાઓને હટાવવાની પરવાનગી ક્યારેય કોઈ ટ્રસ્ટ કે વ્યક્તિને આપવામાં આવી નથી. આ કૃત્યથી ઘણા લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.