
રાજસ્થાનમાં તઘલખી ફરમાન.ઝાલોરના ૧૫ ગામોમાં મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ.આ આદેશ મુજબ, કોઈ પણ મહિલા ૨૬ જાન્યુઆરી પછી ફક્ત બેઝિક મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે.રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં એક સામાજિક પંચાયતના ર્નિણયના કારણે વિવાદ છંછેડાઈ ગયો છે. ઝાલોરના ચૌધરી સમાજની પંચાયતે એક મોટો ર્નિણય લેતા ૧૫ ગામોમાં તમામ યુવતીઓ માટે સ્માર્ટફોન (કેમેરાવાળા ફોન) વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ મુજબ, કોઈ પણ મહિલા ૨૬ જાન્યુઆરી પછી ફક્ત બેઝિક મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે.
અહીંના ગાઝીપુર ગામમાં રવિવારે સુજનરામ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે આગામી ૨૬મી જાન્યુઆરીથી સમાજની દીકરીઓ અને પુત્રવધૂઓ સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે.
આ નિયમ ઝાલોરના ગાઝીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસ સહિત કુલ ૧૫ ગામને લાગુ પડશે. મહિલાઓ લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે પડોશીના ઘરે જતી વખતે પણ સાથે મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. જાે કોઈ મહિલાને વાત કરવી હોય તો તેને માત્ર બેઝિક કિ પેડ મોબાઈલ ફોન રાખવાની જ મંજૂરી મળશે. જાે કે, અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘરમાં અભ્યાસ માટે સ્માર્ટફોન વાપરી શકશે, પરંતુ ઘરની બહાર લઈ જઈ શકશે નહીં.
આ ર્નિણય પાછળ પંચાયતે વિચિત્ર તર્ક આપતા કહ્યું છે કે, અનેક મહિલાઓ કામમાં વ્યસ્ત રહેવા માટે બાળકોને સ્માર્ટફોન આપી દે છે, જેના કારણે બાળકોની આંખો પર ખરાબ અસર પડી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા વળગણને સામાજિક મર્યાદા માટે જાેખમી ગણાવીને આ પ્રતિબંધ લદાયો છે.
વિરોધના સૂર પણ ઉઠ્યા પંચાયતના આ ર્નિણયની સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક વર્તુળોમાં આકરી ટીકા થઈ રહી છે. લોકો આને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ અને ‘તુગલકી ફરમાન‘ ગણાવી રહ્યા છે. આધુનિક યુગમાં જ્યાં ડિજિટલ ઈન્ડિયાની વાતો થઈ રહી છે, ત્યાં આવા પછાત ર્નિણયો સામે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.




