
પૂણે ગ્રાન્ડ ટૂર સાયકલિંગની ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ, 19થી 23 જાન્યુઆરીએ પૂણેમાં સ્પર્ધા યોજાશે વિશ્વના પાંચ કોન્ટિનેન્ટના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે, રેસને ધ્યાનમાં રાખીને 500 કરોડના ખર્ચે રસ્તો બનાવાયો હોવાનો દાવો અમદાવાદ સાયકલિંગના શોખિનો માટે મહારાષ્ટ્રના પૂણેમાં બજાજ પૂણે ગ્રાન્ડ ટૂર 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સ્પર્ધાની ટ્રોફીને દેશના અનેક શેહોરમાં ફેરવવામાં આવી રહી છે એના અંતર્ગત અમદાવાદમાં પણ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
40 દેશની ટીમો ભાગ લેશે સ્પર્ધા અંગે માહિતી આપતા રેસના ટેક્નિકલ ડિરેક્ટર પિનાકી બાયસાકે જણાવ્યું હતું કે વિશ્વના પાંચ ખંડના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે. એક ટીમમાં છ ખેલાડીઓ અને બે સ્ટેન્ડ બાય રખાતા હોઈ અંદાજે 300થી વધારે સ્પર્ધકો સ્પર્ધામાં આવશે.
ભારતની બે ટીમ સ્પર્ધામાં ભારતની બે ટીમો ભાગ લેશે એમાંથી એક નેશનલ ટીમ હશે. આ ટીમમાં તાજા રેન્કિંગ અનુસાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. જોકે રેન્કિંગ સ્પર્ધાઓ અનુસાર બદલાતા હોઈ હાલમાં ભારતીય ટીમમાં કયા ખેલાડી હશે કે વિશ્વના કયા નામાંકિંત સાયકલિસ્ટ સ્પર્ધામાં આવશે તે જણાવાયું નથી. ભારતની ટીમ 2 જાન્યુઆરી પછી જાહેર થવાની શક્યતા છે.
યુસીઆઈની મંજૂરી આ સ્પર્ધાને યુનિયન સાયકલિસ્ટ ઈન્ટરનેશનલ (યુસીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેના લીધે રેસનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વ માનવામાં આવે છે.
4 સ્ટેજમાં 437 કિમીની રેસ રેસ ચાર સ્ટેજમાં હશે અને તેનું કુલ અંતર 437 કિમીનું રહેશે. સ્પર્ધામાં કોઈ ટીમ વિજેતા નથી હોતી પરંતુ તેમાં ટોચ પર રહેલા ખેલાડીઓને જ વિજેતા જાહેર કરાતા હોય છે. એટલે કે વિજેતા તરીકે ટીમને નહીં પણ રાઈડરને જ પુરસ્કાર મળશે. આ રેસ ભારતની પ્રથમ યુસીઆઈ 2.2 રેસ છે.
રેસને ધ્યાનમાં રાખીને 500 કરોડના રસ્તા પિનાકીએ વધુમાં જણાવ્યું હતું કે સાયકલિંગની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં 500 કરોડના ખર્ચે ખૂબજ સારા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, આનાથી માત્ર સાયકલિંગને જ નહીં પણ રાજ્યના પ્રવાસન ઉદ્યોગને પણ લાભ થશે એવી આશા પિનાકીએ વ્યક્ત કરી હતી.
ટ્રોફી દેશના અનેક શહેરોમાં ફરશે અમદાવાદમાં સ્પર્ધાની ટ્રોફીનું અનાવરણ કરાયું હતું જેમાં ગુજરાત સાયકલિંગ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્ર સિંહ સોલંકી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હવે પછી આ ટ્રોફી હૈદ્રાબાદ લઈ જવાશે. ટ્રોફીને પૂણેના તાંબુ આલી તાંબાના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે જેમાં પ્રદેશના આઠ કિલ્લાઓના પ્રતિકો કંડારવામાં આવ્યા છે.




