
૧ સપ્તાહમાં NDPS ના ૧૧ કેસ કર્યા.અમદાવાદને નશામુક્ત બનાવવા ક્રાઇમબ્રાંચની કડક કાર્યવાહી.સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. માત્ર એક સપ્તાહના ગાળામાં ક્રાઇમબ્રાંચે NDPS એક્ટ હેઠળ કુલ ૧૧ કેસ નોંધ્યા છે અને નશાના કારોબારમાં સંડોવાયેલા ૧૪ આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઇમબ્રાંચની કાર્યવાહી દરમિયાન MD ડ્રગ્સના ૬ કેસ, ગાંજાના ૪ કેસ તથા ચરસનો ૧ કેસ નોંધાયો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ.૫૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં ૫૩૩ ગ્રામ MD ડ્રગ્સ, ૧૨,૫૫૬ ગ્રામ ગાંજાે અને ૪૫ ગ્રામ ચરસનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રતિબંધિત સીરપની ૬ બોટલ પણ નશાના પેડલરો પાસેથી કબજે કરવામાં આવી છે.
ઝુંબેશ દરમિયાન સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર નશાના દૂષણ સામે આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે. શહેરના યુવાનોને નશાની ચપેટમાંથી બચાવવા અને જાહેર સુરક્ષા જાળવવા માટે ક્રાઇમબ્રાંચ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું પણ જાણવા મળે છે.




