
બહિષ્કારની ઉઠી માંગ.સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા ભારે વિવાદ.આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરતા હવે તેના સામાજિક બહિષ્કારની ચર્ચા શરૂ.તાજેતરમાં જ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ જ્ઞાતિ બહાર સગાઈ કરતા વિવાદ થયો હતો. કિંજલના પરિવારનો સમાજે બહિષ્કાર કર્યો હતો. હવે સુરતની એક સિંગરે જ્ઞાતિ બહાર લગ્ન કરતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યાં છે.
પાટીદાર સમાજની દીકરી અને સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયામાં આ અંગે વિવાદ શરૂ થયો છે. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આરતીના પિતાએ પોતાની દીકરીને પરત આવી જવાની વિનંતી પણ કરી છે.
આ અંગે વાત કરતા પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ કહ્યુ કે તેના માતા-પિતા ૧૦ દિવસથી દીકરીની ચિંતામાં છે. ૧૭ ડિસેમ્બરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરતીના પિતાએ દીકરી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશ કથીરિયાએ કહ્યુ કે દીકરી સીધી માતા-પિતા સાથે વાત કરવાના બદલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જવાબો આપી રહી છે.
અલ્પેથ કથીરિયાએ કહ્યુ કે આરતી આજે જે સ્ટેજ પર પહોંચી છે તેમાં માત્ર તેની મહેનત નહીં માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિ ચોક્કસ સ્થાને હોય તો તેણે સમજી વિચારી ર્નિણય લેવો જાેઈએ. અલ્પેશે કહ્યુ કે હાલમાં જે ઘટના બની છે, તે પાટીદાર સમાજની દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે.
સોશિયલ મીડિયા પર વિવાદ બાદ આરતી સાંગાણીએ પોતાની વાત રજૂ કરી છે. તેણે કહ્યું કે સોશિયલ મીડિયામાં તેના વિશે જે પણ ચાલી રહ્યું છે તેની સામે કોઈ વિરોધ નથી. તેણે કહ્યું કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પ્રેમ કરવો શું કોઈ ગુનો છે?
આરતીએ વીડિયોમાં કહ્યું કે, સમાજ બેટી બચાવો, બેટી પઢાવોની વાતો કરે છે તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? સિંગર આરતીએ કહ્યું કે મેં જે કર્યું છે તેનાથી ઘણા લોકોને દુખ થયું છે તે બદલ હું તેની માફી માંગુ છું.




