
અમેરિકી પ્રમુખ ટ્રમ્પને લખ્યો પત્ર.ભારતે દાળ-કઠોળ પર ૩૦% ટેરિફ ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા.અમેરિકન સેનેટરોએ માંગ કરી કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં કઠોળના પાક માટે અનુકૂળ જાેગવાઈઓ સામેલ કરવામાં આવે.ભારત અને અમેરિકા વચ્ચે બહુપ્રતિક્ષિત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાની વાતચીત અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. આ મહત્ત્વપૂર્ણ સમયગાળા વચ્ચે, અમેરિકન સેનેટરોના એક જૂથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત દ્વારા આયાતી દાળ પર લગાવવામાં આવેલા ૩૦% ટેરિફને હટાવવા માટે દબાણ લાવવાની માંગ કરી છે.
અમેરિકન સેનેટરોએ પ્રમુખ ટ્રમ્પને લખેલા પત્રમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં કઠોળના પાક માટે અનુકૂળ જાેગવાઈઓ સામેલ કરવામાં આવે. તેમની મુખ્ય માંગ એ સુનિશ્ચિત કરવાની છે કે ભારતને અમેરિકન ખેડૂતો દ્વારા વેચવામાં આવતા પીળા વટાણા (દાળ) પરનો ૩૦% ટેક્સ સંપૂર્ણપણે દૂર કરે.
આ મુદ્દો અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે નોર્થ ડકોટા અને મોન્ટાના જેવા રાજ્યો વટાણા સહિત કઠોળના પાકના ટોચના બે ઉત્પાદકો છે. બીજી તરફ, ભારત આ પાકનો વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા છે, જે વિશ્વના કુલ વપરાશનો લગભગ ૨૭% હિસ્સો ધરાવે છે. સેનેટરોનું માનવું છે કે જાે વેપારની તકો મળે તો અમેરિકન ખેડૂતો ભારતની આ માંગને પહોંચી વળવા અને વિશ્વને અનાજ પૂરું પાડવા માટે સક્ષમ છે.
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતે ૩૦ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ પીળા વટાણા પર ૩૦% ટેરિફ લગાવ્યો હતો, જે ૧ નવેમ્બર, ૨૦૨૫થી લાગુ થયો છે. આ ઊંચા ટેરિફને કારણે, અમેરિકન કઠોળ ઉત્પાદકોને ભારતમાં તેમના ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોની નિકાસ કરતી વખતે સ્પર્ધામાં નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
સેનેટરોએ ટ્રમ્પને યાદ અપાવ્યું કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ તેમણે આ મુદ્દે પત્ર લખ્યો હતો. ત્યારે, ટ્રમ્પે ૨૦૨૦માં ભારત સાથેની વેપાર વાટાઘાટો દરમિયાન તે પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ આપ્યો હતો, જેનાથી અમેરિકન ઉત્પાદકોને વાટાઘાટોના ટેબલ પર સ્થાન મળ્યું હતું. સેનેટરોએ ફરી એકવાર ટ્રમ્પને વિનંતી કરી છે કે તેઓ વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દા પર ભારપૂર્વક વાત કરે, કારણ કે તેનાથી અમેરિકન ઉત્પાદકો અને ભારતીય ગ્રાહકો બંનેને ફાયદો થશે અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધશે.




