
ભારતીય મુસાફરો માટે પ્રવાસ સરળ બનશે અને ખર્ચ પણ ઘટશે ફ્રાન્સમાં ભારતીયો માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં
૧૦ એપ્રિલ ૨૦૨૬ની અસરથી ફ્રાન્સના યુરોપિયન પ્રદેશમાંથી પસાર થતા ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવાસને હવે ફ્રેન્ચ સરકારે અમલી બનાવ્યો ફ્રાન્સે ભારતીયો માટે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત દૂર કરી છે. અત્યાર સુધી ભારતીય મુસાફરોએ બીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મેળવવા માટે ફ્રાન્સમાં એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરવું પડે તેમ હોય તો એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા લેવા પડતાં હતાં. હવે ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઝોનમાંથી પસાર થતી વખતે એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝા મેળવવાની જરૂર રહેશે નહીં. ભારતીય મુસાફરો માટે પ્રવાસ સરળ બનશે અને ખર્ચ પણ ઘટશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત આ પગલાનું સ્વાગત કરે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૦ એપ્રિલ ૨૦૨૬ની અસરથી ફ્રાન્સના યુરોપિયન પ્રદેશમાંથી પસાર થતા ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવાસને હવે ફ્રેન્ચ સરકારે અમલી બનાવ્યો છે. આ ર્નિણય દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.





